March 14, 2025

સાબરકાંઠાના આગિયા ગામે ધગધગતા અંગારા પર ચાલીને ઉજવાતી અનોખી હોળી

ચિરાગ મેઘા, સાબરકાંઠા: સમગ્ર ભારતભરમાં હોળીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે, ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે પાંડવ કાળથી હોળી પ્રગટાવાની પરંપરા આજે પણ યથાવત છે. ત્યારે હોળીના પર્વના દિવસે શ્રધ્ધાળુઓ આગિયા ગામે હોળી પ્રગટાવી ધગધગતા અંગારા પર ચાલીને ઉજવણી કરે છે. અંગારા પર ચાલવા છતાં તેમને કોઈપણ પ્રકારની ઈજા થતી નથી.

હજારો વર્ષોથી સાબરકાંઠા સહિત ભારતભરમાં હોળીનો પર્વ ગામ પૂર્વક ઉજવાય છે જોકે સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના આગિયા વિસ્તારમાં પાંડવ કાળથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. અહીં આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી પણ લોકો અંગારા ઉપર ચાલતા લોકોને જોવા માટે આવે છે. આજના દિવસે અહીંયા પ્રગટાવવામાં આવતી હોળીનું વિશિષ્ટ મહત્વ છે. અહીં હોળી પ્રગટાવ્યા બાદ ધગધતા અંગારામાં કેટલાય લોકો ખુલ્લા પગે ચાલે છે અને પોતાની બાકી રહેલી માનતાઓ પુરી કરે છે, જોકે સામાન્ય રીતે અંગારાથી ગમે તેવું શરીર દાઝતું હોય છે, ત્યારે અહીં અંગારા ઉપર ચાલવા છતાં કોઈપણ પ્રકારની ઇજા થતી નથી જેને જોવા હજારો લોકો આજના દિવસે ખેડબ્રહ્મા વિસ્તારના મહેમાન બનતા હોય છે તેમજ લોકો ભારે કુતુહલતાથી સમગ્ર હોળીના તહેવારને માણતા હોય છે.

વનવાસી વિસ્તારમાં વર્ષોથી યોજાતી આહરી પાંડવ કાળથી ચાલી આવતી હોય તેવું સ્થાનિકોનું માનવું છે. અહીં હજારો વર્ષોથી કેટલાય લોકો પોતપોતાની માનતા પુરી કરવા આવે છે. સાથે સાથે અંગારા ઉપર ચાલતા લોકોને કોઈપણ પ્રકારની ઈજા ન થતી હોવાની પાછળ હોલિકાદેવીનો પ્રતાપ હોવાનું પણ સ્થાનિકો જણાવે છે. જોકે વર્ષોથી યોજાતી આ પરંપરા આજેપણ એટલી જ મહત્વની બની રહે છે તેમજ લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી આ પરંપરા આજે પણ યથાવત રીતે નિભાવે છે. પાંડવ કાળથી ચાલતી અંગાર પર ચાલવાની આ પરંપરા આજેપણ એટલી જ યથાવત છે ત્યારે આજેપણ સ્થાનિકોની આ પરંપરા જોઈ કોઈપણની આંખ ઉપર ભરોસો ન આવે તેવા દ્રશ્ય યોજતા હોય છે.