July 4, 2024

Unique Library: વાચકોનું વાંચનધામ એટલે દેવધા ગામે બનેલી પ્રાકૃતિક લાયબ્રેરી

જીગર નાયક, નવસારી: સાહિત્ય એ સમાજનું દર્પણ છે, જેને શાબ્દિક સ્વરૂપે પુસ્તકોમાં કંડારવામાં આવતું હોય છે. સાહિત્યએ શિક્ષણ, આધ્યાત્મિકતા અને જીવન કવનની કેડીઓ પ્રદર્શિત કરતું પ્રત્યાયનનું માધ્યમ છે. કુદરતી સૌંદર્યની વચ્ચે પુસ્તકાલયનો અભિગમ વાંચનની ભૂખ જગાડી સમાજ ધડતરની દિશામાં અદમ્ય પગલું છે અને દક્ષિણ ગુજરાતમાં નવલું નજરાણું છે. નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામે પ્રાકૃતિક લાયબ્રેરી વાચકોનું વાંચનધામ બન્યું છે.

સાહિત્યમાં 64 કળાઓ સાહિત્યની સાક્ષી પૂરે છે. સૌરાષ્ટ્રની રસધાર પ્રદેશના ગુણો ગાય છે, ઉત્તર અને મધ્ય ગુજરાતનો ભવ્ય વારસો, કાઠિયાવાડનું સાહત્યિક રાચરચીલું, દક્ષિણ ગુજરાતનો હરિયાળો વારસો ગુજરાતની ભવ્યતા રજૂ કરે છે. જેમાં સાહિત્ય વાંચન વારસાને જાણવાનું માધ્યમ છે. સાથે વાંચન એક પ્રત્યાયનનું એક માધ્યમ છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ગામે બે વર્ષ પહેલાં શરૂ થયેલી પ્રાકૃતિક લાઇબ્રેરી નવસારી જિલ્લાના લોકો માટે વાંચન ગામ બની ગયું છે. રમણીય વાતાવરણ વચ્ચે અને પક્ષીઓના કલરવ વચ્ચે આંબા અને ચીકુની વાડીમાં બેસીને સાહિત્યના વિવિધ લેખો પુસ્તકો અને કથા, નવલકથાઓનું વાંચન લભ્ય બની ગયું છે. મોટી સંખ્યામાં લોકો વાંચન માટે આવે છે અને કુદરતી વાતાવરણ વચ્ચે બેસીને મનની પ્રફુલ્લિતતાની સાથે સાહિત્ય રસીકો પુસ્તકમાં રહેલો રસાસ્વાદ માણે છે.

આ પણ વાંચો: આ IPS સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ પાણી ભરે

એક તરફ આધુનિક ટેકનોલોજીનો સોશિયલ મીડિયાનો જમાનો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. એમાં પણ સોશિયલ મીડિયાએ મનુષ્ય જાતને જાણે મોબાઈલ અને સોશિયલ મીડિયા સાઈટો પર કેદ કરી લીધી છે વ્યસની બનાવી દીધા છે. તેવા સમયે ફરીથી પુસ્તકો તરફ વાળવા અને ગ્રહણ શક્તિ વધી શકે તેવા શુભ આશયથી પ્રાકૃતિક લાઇબ્રેરીની શરૂઆત થઈ છે. જ્યાં તબલાવાદન, પેન્ટિંગ, વેસ્ટમાંથી બેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, એમ્પ્લોયમેન્ટ અપાવું, કારકિર્દી માર્ગદર્શન, વાચકોને મફત ચા નાસ્તો ઉપલબ્ધ કરાવો જેવી વ્યવસ્થાઓ કરીને કુટુંબના વડીલોના લાઇબ્રેરીના સપનાને સાકાર કરવા માટે નવા જ પ્રકારનો અભિગમ અપનાવ્યો છે. જ્યાં રાજ્યભરમાંથી તો સાહિત્ય રસિકો આવે છે પરંતુ રાજ્ય બહારના સાહિત્ય રસીકો આવીને પ્રાકૃતિક આનંદ માણે છે.

બદલાતા જમાનાની આધુનિકતા માણસને ભૌતિકતા તરફ દોરી જાય છે. એમાં પણ શિક્ષણ એ પુસ્તકોમાં સમાયેલું છે. એને આધુનિક જમાનાએ વેબસાઈટો અને ઓડિયો ક્લિપોમાં પરિવર્તિત કરવાની કોશિશ કરી છે. પરંતુ તે પુસ્તક જેવી વાંચન ભૂખ સંતોષી શકતું નથી. વાંચન અને સાથે સ્મરણ કરવાથી યાદશક્તિ વધે છે. તેવા સમયે ફરીથી યુવાધનને પુસ્તકોના પ્રેમના તાંતણે બાંધવા અને આધુનિક જમાનાની બદીઓથી દૂર કરવા નમ્ર પ્રયાસ કર્યો છે. જે સૌ કોઈએ એક મુલાકાત લેવા જેવી પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ છે.