April 4, 2025

ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, વીજળી પડતા બે લોકોના મોત

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે રાજ્યના ઘણા શહેર અને જિલ્લાઓમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા છે. ત્યાં જ આજે કચ્છના નખત્રાણામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. નખત્રાણા, સાંગનારા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે તો અહીં અનેક જગ્યાએ તોફાની પવનની સાથે વરસાદ વરસતા રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. કમોસમી વરસાદના કારણે નખત્રાણામાં વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.

બીજી તરફ સુરેન્દ્રનગર અને ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ચોટીલાના મોકાસર ગામમાં વીજળી પડતા યુવતીનું મોત નિપજ્યું છે. બીજી તરફ મુળી તાલુકાના ખાટડી ગામમાં વીજળી પડતા આધેડનું મોત થયું છે. આમ એક જ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને વીજળી પડતા બે લોકોના મોત નિપજ્યા હતા. હાલમાં બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્ટિપલમાં ખસેડાયા છે.

રાજ્યમાં બપોરના 2 વાગ્યાથી 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો સુરેન્દ્રનગરના મુળીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના નખત્રાણામાં 1.5 ઇંચ વરસાદ અને સુરેન્દ્રનગરના વઢવાણમાં અડધો ઇંચ કમોસમી વરસાદ વરસ્યો છે.

બાબરામાં પણ આજે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે જગતનો તાત ચિંતામાં છે. અહીં ભારે વરસાદના કારણે મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યાં જ બાબરામાં ભારે પવનના કારણે દીવાલો,વૃક્ષો ધરાશાયી થયા છે તો ભારે પવનના કારણે કેટલાક છાપરા પણ ઉડ્યા છે. ઇંગોરાળા ગામે ઉપરવામાં વરસાદ થતાં વોકળા બે કાંઠે વહેતા થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. બાબરાના જીવનપરા વિસ્તારમાં શીતલબેન રાખોલીયા નામની મહિલા ધાબા પર સામાન લેવા જતા તેમના પર વીજળી પડી હતી. વીજળી પડતા મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. હાલમાં મહિલાને સારવાર અર્થે બાબરાની હોસ્પિટલમાં ખસેડાઇ છે.