લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ, 30 હજાર લોકોને તાબડતોડ સ્થળાંતર કરવાની તૈયારી
દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હજારો લોકોને રહેણાંક વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે. લોસ એન્જલસના પહાડી વિસ્તારોમાં લાગેલી આગને ઓલવવા માટે ફાયર ફાઈટરોને ભારે મહેનત કરવી પડી રહી છે. જ્વાળાઓ માઈલ સુધી ફેલાઈ ગઈ છે.
લોસ એન્જલસ ફાયર વિભાગના ફાયર ચીફ ક્રિસ્ટિન ક્રોલીએ જણાવ્યું હતું કે 10,000 થી વધુ ઘરો અને 13,000 થી વધુ ઇમારતોમાં રહેતા લગભગ 26,000 લોકો આગથી પ્રભાવિત થયા છે. મોટી સંખ્યામાં લોકો પોતાની કાર છોડીને પગપાળા સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે, કારણ કે ભીષણ આગને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. જોરદાર પવનને કારણે આગ વધુ વકરી છે.
આ પણ વાંચો: ભૂકંપ બાદ તિબેટમાં હાહાકાર: હજારો મકાનો ધરાશાયી, 126 લોકોના મોત…
કેલિફોર્નિયામાં લાખો લોકો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે લોકોને આગ વધુ ફેલાવાના ભય અંગે ચેતવણી આપવામાં આવી છે. આ સાથે મોટા વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે લગભગ પાંચ લાખ લોકો પ્રભાવિત થયા છે. પશ્ચિમ લોસ એન્જલસના પેસિફિક પેલિસેડ્સમાં 2 ચોરસ માઈલથી વધુ જંગલને આગમાં બાળી નાખવામાં આવ્યું છે. જેના કારણે સમગ્ર શહેરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.