પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, સાન ફ્રાન્સિસ્કોમાં લીધા અંતિમ શ્વાસ
નવી દિલ્હીઃ પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. તેમણે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં 73 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. ઉલ્લેખનીય છે કે, હૃદય સંબંધિત બીમારીને કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમના મિત્ર અને વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ કહ્યું કે, ‘તેમની તબિયત ખરાબ છે અને હાલમાં તેઓ ICUમાં દાખલ છે. અમે બધા તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છીએ. હૃદય સંબંધિત સમસ્યાને કારણે તેઓ છેલ્લા એક સપ્તાહથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ છે.’ મહત્વનું છે કે, ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા અલ્લાહ રખા પણ પ્રખ્યાત તબલા વાદક હતા.
આ પણ વાંચોઃ પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનની કેટલીક અજાણી વાતો…
ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેમને વર્ષ 1988માં પદ્મશ્રી, વર્ષ 2002માં પદ્મ ભૂષણ અને વર્ષ 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ઝાકિર હુસૈનને ત્રણ ગ્રેમી એવોર્ડ પણ મળ્યા હતા.
આ પણ વાંચોઃ ઝાકિર હુસૈને કેમ કહ્યુ ‘…એ 5 રૂપિયા મારા માટે સૌથી કિંમતી હતા’?; વાંચો સમગ્ર કિસ્સો
તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી અને માતાનું નામ બીવી બેગમ હતું. ઝાકીરના પિતા અલ્લાહ રખા પણ તબલાવાદક હતા. ઝાકિર હુસૈને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ ઉપરાંત મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પણ ગ્રેજ્યુએશન કર્યું હતું. ઝાકિર હુસૈને માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો. 1973માં તેમણે પોતાનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટિરિયલ વર્લ્ડ’ લોન્ચ કર્યું હતું.