વડોદરામાં પ્રજાના 13 કરોડથી બનેલું જિમ 8 વર્ષથી બંધ, અધિકારીઓને અણઘડ વહિવટ જવાબદાર!
વડોદરાઃ કારેલીબાગમાં મહાનગરપાલિકાએ બનાવેલું જિમ ધૂળ ખાઈ રહ્યું છે. 8 વર્ષથી આ જિમ બંધ હાલતમાં પડેલું છે. ત્યારે પ્રશાસનની અણઆવડત અને અણઘડ વહીવટને કારણે જિમ બંધ હાલતમાં પડી રહ્યું છે.
તે સમયે પાલિકાએ 8 કરોડ રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ સાથેનું અત્યાધુનિક જિમ બનાવડાવ્યું હતું. પાલિકાના શાસકો-અધિકારીઓની અણઆવડતના કારણે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે જિમના સાધનો વસાવ્યા પણ શરૂ ન કર્યું. જિમ શરુ ન કરતા સાધનો બગડી ગયા છે અને બંધ પડી રહ્યા છે.
જિમના સાધનો માટે હેવી વીજ જોડાણ ન હોવાથી શોર્ટસર્કિટ થઈ જાનહાનિનું જોખમ હોવાનું કહી જિમ શરૂ કરવામાં આવ્યું નથી. VFA સંસ્થાએ જિમ અને સ્વિમિંગ પુલને લઈ 30 સુધારા સૂચવ્યા હતા. જિમના બંને રૂમ ભેગા કરવા સાથે ટેરેસની જગ્યાનો ઉપયોગ કરવા તજજ્ઞોએ સૂચન કર્યું હતું, પણ તેનું પણ પાલન ન કર્યું.
જિમમાં વેન્ટિલેશનનો અભાવ પણ જોવા મળ્યો છે. લોકોને તંદુરસ્ત રાખતું જિમ પોતે તંદુરસ્તી ઝંખી રહ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓના પાપે લોકો પ્રાઇવેટ જિમમાં રૂપિયા ખર્ચી તંદુરસ્તી માટે જવા મજબૂર બન્યા છે.