September 17, 2024

વડોદરામાં દિલધડક રેસ્ક્યૂ, 13 સભ્યોને NDRFએ બચાવ્યાં

વડોદરાઃ શહેરમાં વરસાદે તારાજી સર્જી છે. ખાસવાડી નજીક પરિવારનું રેસ્ક્યૂ કર્યું છે. પરિવારના 13 સભ્યોનું NDRFએ રેસ્ક્યૂ કર્યું છે. NDRF દ્વારા મોડી રાત્રે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરિવાર પાણીથી બચવા છાપરાં પર બેસ્યો હતો. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ત્યારે નદીકાંઠે આવેલા તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેને કારણે અનેક લોકોના મકાન હાલ પણ પાણીમાં છે.

250 તાલુકામાં વરસાદ નોંધાયો
સમગ્ર રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 152 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે તો રાજ્યના 98 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 24 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખંભાળિયામાં 18 ઇંચથી વધુ

ખંભાળિયામાં આભ ફાટ્યું
સૌથી વધુ ખંભાળિયામાં પોણા 18 ઈંચ વરસાદ પડ્યો છે. તો જામનગરમાં સવા 15 ઈંચ, જામજોધપુરમાં અને લાલપુરમાં પોણા 13 ઈંચ, રાણાવાવમાં સાડા 11 ઈંચ, કાલાવડમાં 11 ઈંચ, લોધિકામાં સાડા 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાણવડમાં સાડા 10 ઈંચ, કોટડા સંઘાણીમાં સવા 10 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, પોરબંદરમાં પોણા 10 ઈંચ વરસાદ, દ્વારકામાં પોણા 10 ઈંચ, રાજકોટમાં પોણા 10 ઈંચ, ધ્રોલમાં 7 ઈંચ, ધોરાજીમાં 7 ઈંચ, જામકંડોરણામાં પોણા 7 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગોંડલમાં પોણા 7 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ, જોડીયામાં પોણા 6 ઈંચ, વાંકાનેરમાં પોણા 6 ઈંચ, વિસાવદરમાં સાડા 5 ઈંચ, ટંકારા અને વંથલમાં સવા 5 ઈંચ, માણાવદરમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.