March 29, 2025

વડોદરાની વિનાયક રેસિડેન્સીમાં ACમાં શોર્ટસર્કિટ થતાં ભીષણ આગ, આધેડ ભડથું થયા

વડોદરાઃ શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. જેમાં એક આધેડ ભડથું થયા છે. શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઘરમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા ભીષણ આગ લાગી હતી.

મળતી માહિતી પ્રમાણે, ખોડિયારનગરની સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલી વિનાયક રેસિડન્સીમાં આ દુર્ઘટના સર્જાઈ છે. વિનાયક રેસિડેન્સીના બી-ટાવરના પાંચમા માળે આગ લાગી હતી. જેમાં હાલોલમાં ખાનગી કંપનીમાં નોકરી કરતાં કિરણભાઈ રાણા જીવતા ભડથું થયા છે. ઉલ્લેખનીય છે કે, મૃતક કિરણ રાણા બીમાર હોવાથી છેલ્લા બે માસથી ઘરે જ રહેતા હતા.

આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. આ ઉપરાંત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.