July 2, 2024

વડોદરાની આવાસ યોજનામાં 461 હિંદુ પરિવારો વચ્ચે મુસ્લિમ મહિલાને મકાન ફાળવતા વિવાદ

વડોદરાઃ શહેરમાં બનાવવામાં આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનામાં મુસ્લિમ મહિલાને ફ્લેટ ફાળવવામાં આવતા ભારે હોબાળો થયો છે. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 44 વર્ષની મુસ્લિમ મહિલાને એક ફ્લેટ મળ્યો હતો, જેમાં અન્ય તમામ હિન્દુ પરિવારો રહે છે. સોસાયટીના રહીશો ફાળવણી રદ કરવાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, તેઓ તેમની વચ્ચે વિધર્મીને રહેવા દેશે નહીં. તેમની દલીલ એવી છે કે, આ મકાન એક મુસ્લિમને કાયદાનું ઉલ્લંઘન કરીને આપવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી મોટનાથ રેસીડેન્સીમાં 462 ફ્લેટ છે. જેમાં એક મુસ્લિમ મહિલાને ફ્લેટ પણ ફાળવવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા રહેવાસીઓનો દાવો છે કે, અશાંતધારાના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ કાયદા હેઠળ અશાંતધારાવાળા વિસ્તારમાં કોઈપણ મિલકતની લેવડદેવડ પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી છે. અલગ-અલગ ધર્મના લોકો વચ્ચે મિલકતની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ છે. જો આવી કોઈ ખરીદી કે વેચાણ થાય છે તો સ્થાનિક લોકો પાસેથી NOC લેવાની રહેશે. રહેવાસીઓનું કહેવું છે કે, અધિકારીઓ ભ્રષ્ટ છે અને કાયદાનો અમલ કરતા નથી.

આ પણ વાંચોઃ ધોરણ 9-11માં નાપાસ વિદ્યાર્થીઓનાં રિટેસ્ટ 15 દિવસમાં લેવાનો નિર્ણય

એક અહેવાલ મુજબ, અહીંના રહેવાસી અતુલ ગામેચીએ કહ્યુ હતુ કે, ‘ગુજરાત સરકારે અહીં આ કાયદો લાગુ કર્યો છે. તેથી હિંદુ કોલોનીમાં કોઈ મુસ્લિમને ઘર વેચી શકે નહીં. ત્યારે પણ સરકારી અધિકારીઓએ નિયમોનો અમલ કર્યો ન હતો અને મુસ્લિમને મકાન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યુ કે, ‘અમે ઈચ્છીએ છીએ કે ફાળવણી રદ કરવામાં આવે. અમે મુસ્લિમ પરિવાર સાથે સહજતાથી નહીં રહી શકીએ, સમસ્યાઓ હશે. જો વહીવટીતંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે સાંસદો અને અધિકારીઓના ઘરની બહાર વિરોધ કરીશું.’

આ પણ વાંચોઃ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં-ક્યાં વરસાદ ખાબકશે

જો કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, લોટરી પદ્ધતિથી ફાળવણી કરવામાં આવી હતી અને કાયદાના અમલ પહેલાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ કહ્યું કે, ‘લોટરી સિસ્ટમ 2017માં શરૂ કરવામાં આવી હતી. કોઈપણ અરજી કરી શકે છે. ડ્રોમાં એક મુસ્લિમ મહિલાનું નામ પણ બહાર આવ્યું છે. પેપરવર્ક 2018માં કરવામાં આવ્યું હતું, જ્યારે ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ અહીં અમલમાં ન હતો. કાયદેસર રીતે ફાળવણી રદ કરી શકાતી નથી.’