June 28, 2024

યોગ કરીને વિવાદમાં આવેલી અર્ચના મકવાણાને વડોદરા પોલીસે પ્રોટેક્શન આપ્યું

Archana Makwana Yoga in Golden Temple: વડોદરાની ઈન્સ્ટાગ્રામ ઈંફ્લુએંસર અને ફેશન ડિઝાઈનર અર્ચના મકવાણાને શ્રી દરબાર સાહિબ (ગોલ્ડન ટેમ્પલ)માં યોગ કરવાનું ભારે પડી ગયું છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ શનિવારે (22 જૂન 2024) અર્ચના મકવાણા વિરુદ્ધ શ્રી દરબાર સાહિબમાં યોગ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત એસજીપીસીએ 21 જૂનની સવારે દરબાર સાહેબની પરિક્રમા કરતી વખતે એક મહિલાને યોગાસન કરવાની મંજૂરી આપીને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ત્રણ કર્મચારીઓ સામે કાર્યવાહી પણ કરી છે. આ ઘટનાને કારણે કેટલાક શીખોમાં નારાજગી છે. જે બાદ વડોદરાની ફેશન ડિઝાઇનરે અર્ચના મકવાણાને જાનથી મારી નાંખવાની ધમકી પણ મળી હતી. જોકે આ મામલે આજે અર્ચનાએ એક વીડિયો શેર કરીને માફી પણ માગી હતી પરંતુ તેને સતત ધમકીઓ મળી રહી હતી. જે બાદ વડોદરા પોલીસે અર્ચના મકવાણાને પોલીસ પ્રોટેક્શ આપ્યું છે.

શીખોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
અર્ચના મકવાણાએ સુવર્ણ મંદિરના માર્બલ માર્ગ પર યોગ કર્યા હતા. આ માર્ગને ‘પરિક્રમા’ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં યાત્રાળુઓ પરિક્રમા કરી શકે છે અને પ્રાર્થના કરી શકે છે. SGPC પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ કહ્યું કે કેટલાક લોકો જાણી જોઈને પવિત્ર સ્થળની પવિત્રતાને અવગણી રહ્યા છે. તેમણે કહ્યું કે મહિલાની આ હરકતથી શીખોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

તમને જણાવી દઈએ કે 21 જૂને ઈન્ટરનેશનલ યોગ ડેના દિવસ પર અર્ચના મકવાણાની યોગ કરતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીર વાયરલ થયા બાદ શીખ સંગઠનોએ હંગામો મચાવ્યો હતો. વધી રહેલા વિવાદને જોઈને અર્ચના મકવાણાએ ખેદ વ્યક્ત કર્યો હતો અને શીખ સંગઠનોની જાહેરમાં માફી માંગી હતી.