સરકારે ગ્રાન્ટ ન આપતા બહેરાશના દર્દીઓ મશીન વગર પરેશાન, વડોદરામાં દર્દીઓને ધક્કાં

વડોદરાઃ શહેરની સયાજી હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી બહેરાશના દર્દીને મશીન માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી ગ્રાન્ટ ન આપવામાં આવતા દર્દીઓ કાનના મશીનથી વંચિત છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા દિવ્યાંગતા પુનર્વાસ કેન્દ્રમાં સરકાર ગ્રાન્ટ આપે છે.
બે વર્ષ પહેલા સરકારે માત્ર 8 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. સયાજી હોસ્પિટલમાંથી મફતમાં આપવામાં આવતી મશીનની કિંમત 3200 રૂપિયા છે. હિયરીંગ એઈડ મશીન રૂપિયા 2000થી લઈ 2.50 લાખ સુધી મળે છે. નોઈસ પોલ્યુશન વધતાં બહેરાશના દર્દી વધ્યા છે. તેને કારણે હિયરીંગ એઈડ મશીનની માગ પણ વધી છે.
આ મામલે સયાજી હોસ્પિટલના RMO ડો. હિતેન્દ્ર ચૌહાણ જણાવે છે કે, DDRCમાં ગ્રાન્ટ નથી આવી જેના કારણે મશીન નથી આપી શકતા. ત્યારે DDRCના હેડ મનોજ યાદવ કહે છે કે, કેન્દ્ર સરકારે એલિમ્કો સંસ્થાને મશીન માટે ગ્રાન્ટ આપી છે. તેમને 6 મહિનાથી કાગળ લખ્યો પણ કોઈ જવાબ નથી આપતા.