July 2, 2024

મહિલા પર દુષ્કર્મ ગુજારનારા વાઘોડિયાના પૂર્વ MLAના પૂર્વ PA રાજેશ ગોહિલની ધરપકડ

દર્શન ચૌધરી, વડોદરાઃ શહેરના વાઘોડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્યના પૂર્વ PAએ મહિલા પર બળજબરી દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મકાનના ફોટા લેવાના બહાને ઘરે આવ્યા બાદ મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પી.એ.રાજેશ ગોહિલને અનગઢ નજીક આવેલા રામપુરા પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ ધરપકડથી બચવા માટે અનગઢ માતાજીના દર્શન કરવા આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આજે તેની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે.

વડોદરા શહેર નજીક રણોલી વિસ્તારમાં પતિ સાથે છૂટાછેડા બાદ પુત્રી સાથે અલગ રહેતી મહિલા હોટલ ચલાવીને ગુજરાત ચલાવતી હતી. આ દરમિયાન મહિલાએ લોનથી મકાન ખરીદ્યું હતું. મહિલાને એક બીમારી થવાના કારણે દવામાં રૂપિયા જતા રહેતા તેમનાથી મકાનના હપ્તા ભરાતા નહોતા. ત્યારે બેન્ક તરફથી નોટિસ આપવામાં આવી હતી કે, જો સમયસર તમે ચડી ગયેલા હપ્તા નહીં ભરોતો મકાનને સીલ મારવામાં આવશે. જેથી મહિલા મદદ માટે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઓફિસે મળવા આવ્યા હતા. પરંતુ તેઓ નહીં મળતા તેમનો પીએ રાજેશ ગોહિલ મળ્યો હતો.

મહિલાએ તમામ હકીકત તેને જણાવતા ગોહિલે બેન્ક અધિકારી સાથે વાત કરવા જણાવ્યું હતું. આ દરમિયાન મહિલાએ મકાન વેચવાની વાત રાજેશ ગોહિલને કરી હતી. ત્યારે તેણે તેમના મકાનના ફોટા મોકલવા કહ્યું હતું. મહિલાએ મોકલેલા ફોટા બરાબર નથી તેમ કહી રાજેશ ગોહિલ મહિલાના ઘરે આવ્યો હતો. ત્યારે મહિલાની દીકરી અને જમાઈ મંદિરે દર્શન કરવા ગયા હોવાથી તેઓ એકલા હતા. જેનો લાભ લઈને ગોહિલે ઘરનો દરવાજો બંધ કરી મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલા કરગરતી હોવા છતાં ગોહિલે દયા દાખવી ન હતી અને શરીરસંબંધ બાંધ્યો હતો.

આ દરમિયાન જ દીકરી અને જમાઈ આવી જતા કોઈને વાત કરશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને રાજેશ ગોહિલ ટુવાલ ભેર ભાગ્યો હતો. આ મામલે મહિલાએ જવાહર નગર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ શોધખોળ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રાજેશ ગોહિલ અનગઢ મંદિરે દર્શન કરીને પરત પાદરા જઈ રહ્યો છે અને હાલમાં રામપુરા પાસે વાહનની રાહ જોઈને ઉભો છે. જેથી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તેને દબોચી લીધો હતો. તેને અન્ય કોઈ મહિલાઓને પણ શિકાર બનાવી છે કે કેમ તેની  પૂછપરછ માટે આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.