December 16, 2024

વલસાડમાં 3000 માછીમારોનું વિરોધ પ્રદર્શન, સૌરાષ્ટ્રના માછીમારો દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ

વલસાડઃ જિલ્લાના નારગોલ બંદર પર માછીમારોએ વિરોધ નોંધાવ્યો છે. નારગોલ, ઉમરગામ, ખતલવાડા, ટીમ્ભી ગામના માછીમારોએ વિરોધ પ્રદર્શન યોજ્યું છે. પડઘામ, મરોલી, દાંડી, કાલય ગામોના માછીમારોએ વિરોધ દર્શાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, 10 ગામોની 700 જેટલી બોટ એક દિવસ બંધ રાખી દરિયાકિનારે વિરોધ કરવામાં આવ્યો છે. બહારની બોટો અને માછીમારો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આવીને દાદાગીરીથી ફિશિંગ કરે છે. જેને લઈને સ્થાનિક માછીમારોની આજીવિકા પર માઠી અસર પડી છે. જાફરાબાદ, અને આજુબાજુના માછીમારો આવીને સ્થાનિક માછીમારોને હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ મામલે દક્ષિણ ગુજરાતના માછીમારોએ અનેકવાર રજૂઆત કરી છે. તે છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ ન આવતા નારગોલ-ઉમરગામ બંદરે વિરોધ કરવામાં આવ્યો છે. દરિયામાં બોટ બંધ કરી વિરોધ કરવામાં આવ્યો છે. આજીવિકા પર ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માગ કરવામાં આવી છે. અંદાજિત 3000થી વધુ માછીમારો વિરોધમાં જોડાયા છે.