વલસાડ જિલ્લાના 462 આરોગ્ય કર્મચારીઓ સરકાર સાથે સમાધાન થતાં ફરજ પર પરત ફર્યા

વલસાડ: ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની 17 માર્ચથી શરૂ થયેલી અચોક્કસ મુદતની હડતાળનો આજે અંત આવ્યો છે. સરકાર સાથે સફળ વાટાઘાટો બાદ વલસાડ જિલ્લાના તમામ 462 આરોગ્ય કર્મચારીઓ આજે તેમની ફરજ પર પરત ફર્યા છે.
જિલ્લા પંચાયત કચેરી વલસાડ હેઠળના વિવિધ કેડરના કર્મચારીઓ જેમાં મલ્ટિપરપઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, તેમના સુપરવાઈઝર્સ અને જિલ્લા કક્ષાના સુપરવાઈઝર્સનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓએ 21 દિવસ સુધી હડતાળ પર રહ્યા બાદ 6 એપ્રિલના રોજ સરકાર સાથે સુખદ સમાધાન થતાં હડતાળ સમેટી લીધી છે.
7 એપ્રિલ, 2025ના રોજ તમામ કર્મચારીઓ ઓફિસ સમય દરમિયાન હાજર થયા હતા. સંઘના આગેવાનોએ ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગેની જાણ કરી હતી. વલસાડ જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓએ નિયમિત કામગીરી શરૂ કરી દીધી છે.