વલસાડમાં નકલી પોલીસ બની 2.55 લાખની લૂંટ, બેની ધરપકડ
અંકુર પટેલ, વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામે નકલી પોલીસે કરેલા ખેલમાં 2.55 લાખની લૂંટ થઈ હતી. આ કેસમાં ગુનાને અંજામ આપનારી ટોળકીના બે આરોપીને વલસાડ એલસીબી પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી લૂંટના રોકડા 2.20 લાખ કબજે કર્યા હતા.
કપરાડા અંભેટી ગામના ખરેડા ફળિયામાં રહેતા મનીષ રણછોડભાઈ પટેલ (ઉ.વ. 47)ના ઘરે ગત તા. ૨૪-૦૩-૨૪ના રોજ રાત્રે 9.15 વાગ્યાના સુમારે સ્વીફ્ટ કારમાં આવી પહોંચેલા પાંચ જેટલા ઈસમોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને મનીષને કોલરથી ઝાલી, હાલમાં ચૂંટણીનો સમય હોય 50,000થી વધારે રૂપિયા ઘરમાં રાખી ન શકાય તેમ કહીને પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી હતી.
આ પણ વાંચોઃ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે CR પાટીલે બે હાથ જોડીને માફી માગી
વધુમાં તેમણે મનીષ પાસેથી ગામમાંથી ફંડ-ફાળાના ઉઘરાવેલા 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ તેઓએ મનીષ તથા ત્યાં હાજર નાના વાઘછીપાના સંજય પટેલને કારમાં બેસાડી દઇ કોલક નદીના પુલ પાસે લઈ જઈને મનીષને છોડવાની અવેજમાં ખંડણી પેટે વધુ રૂપિયાની માંગણી કરીને વધુ 1.40 લાખ પણ પડાવ્યા હતા. આમ ધાડુપાડુઓએ કુલ 2.55 લાખની મતાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. આ અંગે નાનાપોંઢા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
મનીષ પટેલ ઉપરાંત ઉમેશ બાબરભાઈ આહીર અને શૈલેષ રામુભાઇ પટેલ એમ 3 જણાં છેલ્લા દશેક વર્ષથી ગામમાં માસિક તેમજ હોળી-ધૂળેટી પર્વમાં ફંડ-ફાળો ઉઘરાવીને તેમાંથી ગામના લોકોને જરૂરિયાત મુજબ ઉછીના આપે છે. જેનો હિસાબ-કિતાબ આ ત્રણેય જણા રાખે છે. જુદા-જુદા ગામોમાં રહેતા અન્ય લોકો આ રીતે ફંડ-ફાળો ઉઘરાવીને મનીષ પટેલ પાસે જમા કરાવતા હોય છે. તેમાંથી પકડાયેલા આરોપીઓ સંજય ધીરુ પટેલ અને અનિલ બાપુડ પટેલે ઉઘરાવેલા કુલ 3.30 લાખથી વધુની રકમ જમા કરાવવા માગતા ન હતા. તેથી બંને આરોપીઓએ અન્ય ૩ ઇસમો સાથે નકલી પોલીસ બનીને લૂંટ અને અપહરણ કરી ખંડણીના ગુનાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જિલ્લામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ કેટલું? જાણો તમામ માહિતી
વલસાડ જિલ્લા ડી.એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલાએ ઘટનાની ગંભીરતા પારખીને વલસાડ એલ.સી.બી., એસ.ઓ.જી. તથા નાનાપોંઢા પોલીસ મથકના અધિકારી-કર્મચારીઓની ટીમો બનાવી તપાસ સોંપી હતી. પોલીસની ટીમોએ ગુનાવાળી જગ્યાની આજુબાજુના રૂટ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો આચરનાર ટોળકીના બે સભ્યો સંજય ધીરૂ પટેલ તથા અનિલ બાપુડ પટેલને ઝડપી પાડીને બંને પાસેથી લૂંટ-ખંડણીની ઉઘરાવેલી રકમ 2.20 લાખ રોકડા તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી અર્ટીગા કાર (નં. જીજે.૧૫. સીએમ.૦૯૪૭) કબજે લીધા હતા.
પોલીસે પકડી પાડેલા બંને આરોપીઓની પૂછપરછ કરતા ધાડ-લૂંટ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓના નામો ખૂલ્યા છે. જેમાં (૧) ચંપક બહાદુર પટેલ (૨) વિક્રમ ઉર્ફે વિકી છોટુ પટેલ (૩) સંજય નટુ પટેલનો સમાવેશ થાય છે. એલ.સી.બી.એ પકડી પાડેલા મુખ્ય આરોપી સંજય ધીરૂ પટેલ વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ-2013માં ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત વોન્ટેડ પૈકી વિક્રમ ઉર્ફે વિકી પટેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટનું કામ કરે છે. જો કે, હાલ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અન્ય 3ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.