November 5, 2024

જામનગરમાં સાયબર ક્રાઇમ કરતી આંતરરાજ્ય ગેંગના 4 આરોપીની ધરપકડ

સંજય વાઘેલા, જામનગરઃ જિલ્લાની સાઇબર ક્રાઈમ પોલીસની ટિમ તેમજ એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઓનલાઇન ફ્રોડના ગુનામાં બેંક એકાઉન્ટન્ટ્સ ઓપરેટ કરતી આંતરરાજ્ય ગેંગના આરોપીઓને દબોચી લીધા છે. જામનગરમાં ઓસવાળ હોસ્પિટલ સામે આવેલી કૈલાસ હોટેલના રૂમ નંબર 209માં ત્રણ અજાણ્યા શખ્સો લેપટોપ, ટેબલેટ તેમજ મોબાઇલ ફોન દ્વારા લોકો સાથે ઓનલાઈન ફ્રોડથી મેળવેલા નાણા સગેવગે કરવાની પેરવીમાં છે.

આ બાતમીના આધારે પોલીસ સબઇન્સપેક્ટર એચકે ઝાલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસઓજી પોલીસ સ્ટાફને સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા જ્યાં આરોપીઓએ પાસે રહેલાં અને કમિશનથી મેળવેલા અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ફ્રોડના અને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગના નાણા, લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન બેકિંગના માધ્યમથી તેમજ ઓટીપી શેર કરી મળતીયાઓને નાણાં ટ્રાન્સફર કરી સગેવગે કરતા હોય છે. તેમને જામનગરના સહઆરોપી તથા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

પોલીસે આરોપી રાહુલ હિરાભાઈ નારોલા (ઉવ 19 રહે. સુરત મૂળ રહેગામ-દામનગર તા.લાઠી જિ.અમરેલી), એમડી બાદશા એમડી નાસિર (ઉવ 28 રહે. સીટી-બેન્ડેલ હુગલી રાજ્ય-પશ્ચિમ બંગાળ), અવિનાશ પ્રસાદ ઓમપ્રકાશ મહતો (ઉવ 38 રહે.બડગામ જિ. રામગઢ – ઝારખંડ) અને સ્થાનિક શખ્સ તુષાર ઘેટીયા (ઉવ 30 રહે. કૃષ્ણનગર જામનગર) પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટ્સની ચેકબુક નંગ-૩, અલગ-અલગ બેકના ડેબીટ કાર્ડ નંગ-૮, લેપટોપ-૧, ટેબલેટ-૧, મોબાઈલ ફોન નંગ- ૫ અને છુટક સીમકાર્ડ-૩ કબ્જે કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા આંતરરાજ્ય ગેંગના ચારેય સભ્યોની અટકાયત કર્યા બાદ વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે અને તેમણે કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, તેમજ કેટલા નાણાની હેરફેર કરી છે, આ સમગ્ર બાબતો મેળવવા માટેની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે અને આરોપીઓને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.