સસ્તું સોનું આપવાની લાલચમાં લાખો રૂપીયાની છેતરપિંડી, વલસાડ પોલીસે ઠગ ગેંગને ઝડપી

વલસાડ: સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે આવા માહોલમાં સસ્તું સોનું આપવાની લાલચ આપી ગરજાઉં લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી એક ઠગ ગેંગ આખરે વલસાડ જિલ્લા પોલીસના હાથે લાગી છે. આરોપીઓ પાસેથી રૂપિયા 1 કરોડની નકલી ચિલ્ડ્રન બેંકની નોટો સાથે પોલીસે આ ગેંગના 9 આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ કરતા અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. આરોપીઓએ સુરતના એક વેપારીને લાખોનું સોનું સસ્તુ આપવાની લાલચ આપી તેની સાથે પણ લાખો રૂપિયા પડાવીને નકલી પોલીસના નામે ડરાવી ઠગાઈ કરી હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. શું છે આ સમગ્ર ઘટના? જોઈએ આ અહેવાલમાં…
વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસ સ્ટેશનમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક ટેક્સ્ટાઇલના વેપારીએ પોતાની સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોય તેવી ફરિયાદ નોંધાવી હતી. ઠગોએ લાખોની કિંમતના સોનાને સસ્તા ભાવમાં વેચવાની લાલચ આપી હતી. આ વેપારી ઠગોએ વિછાવેલી જાળમાં ફસાઈ ગયા હતા અને લાખો રૂપિયા ખોવાનો વારો આવ્યો હતો.
આ દરમ્યાન વલસાડ પોલીસે તપાસ કરતા લોકોને સસ્તું સોનું આપવાની લાલચ આપી ઠગાઈ કરતી એક ગેંગના 9 આરોપીઓને દબોચી લીધી છે. પોલીસે આ ગેંગના આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે. વલસાડ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સુરતના વેપારીને facebook આઇડી પર અજાણ્યા આઈડીથી 100 ગ્રામ સોનું 6.50 લાખ રૂપિયામાં આપવાની પોસ્ટ મૂકી હતી. આથી વેપારી લાલચમાં આવી પોસ્ટ મૂકતાં વ્યક્તિને ફોન કરતા સામેથી વ્યક્તિએ પોતે અંકિત હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત થતાં આખરે 100 ગ્રામ સોનું 6 લાખ રૂપિયામાં આપવાની ડીલ થઈ હતી. ત્યાર બાદ સુરતના વેપારી તેમના અન્ય મિત્રોને સાથે લઈ વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પહોંચ્યો હતો. જ્યાં સસ્તામાં સોનું આપવાની લાલચ આપનાર વ્યક્તિ અને તેના માણસો એક નંબર પ્લેટ વિનાની ગાડીમાં બેઠા હતા.
દરમિયાન આ ઠગોએ અન્ય એક વ્યક્તિને બોલાવી તેની પાસેથી 100 ગ્રામ સોનાના બે બિસ્કીટ સુરતના વેપારીને બતાવ્યા હતા. વેપારીએ જોતા સાચા સોનાનું બિસ્કિટ હોવાનું જણાવતા તેઓએ 200 ગ્રામ સોનું લેવા તૈયારી બતાવી હતી. અત્યારે તેની પાસે 9.80 લાખ રૂપિયા હોવાનું જણાવી સુરતથી રૂપિયા લાવી અને આ ઢગોને આપ્યા હતા. જો કે આ દરમિયાન સ્થળ પર ખાખી વર્દીમાં આવેલા બે વ્યક્તિઓ પોતે પોલીસ હોવાની ઓળખ આપી તેમને ધાકધમકી આપી યુક્તિપૂર્વક તેઓ ઠગ ગેંગને લઈ ફરાર થઈ ગયા હતા.
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓના નામ:- નઝીર ઉર્ફે ભજીયાવાલા હુસેન મલિક, મહંમદ ઉર્ફે મજીદ ઉર્ફે અધો ઈસ્માઈલ ઉર્ફે ભૂરો સુમરા, અબ્દુલ હનાન અબ્દરહેમાન, જુબેર સુમરાભાઈ ઝાખરા, અબ્દુલ જુમા નોતીયાર , સુરજ જ્ઞાનચંદ ગુપ્તા, મહમદ ચનેસર સુમરા , મુસ્તાક ઉરસ નોતીયાર અને ઈરફાન યુનુસ વાઘેલાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભાવનગર અને કચ્છ વિસ્તારના છે. જેમની પાસેથી પોલીસે રૂપિયા 16 લાખ રોકડા ₹2,000ના દરની 3 નોટ, કોરા કાગળના 21 બંડલો જેની ઉપર અને નીચે 500-500ના દરની સાચી ભારતીય નોટ હતી. આ સહિત રૂપિયા 1 કરોડની નકલી ડુપ્લીકેટ ચિલ્ડ્રન બેંકની નોટો મળી છે. આ સાથે જ અલગ-અલગ બેંકના ચેક પીળી ધાતુની ગોલ્ડ લખેલ ખોટા બિસ્કીટો 17 મોબાઇલ 2 ગાડીઓ એક બાઈક મળી કુલ 23.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે આરોપીઓને પાસેથી વાહનો સહિત ₹.41 લાખ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ છે. જેઓ પહેલા લોભામણી લાલચ આપી અને આવી રીતે લોકોને છેતરે છે. સસ્તામાં સોનું આપવાની લાલચ આપવાની સાથે તેઓ સસ્તામાં નકલી નોટો પણ આપવાનું રેકેટ ચલાવતા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની આગવી ઢબે પૂછપરછ કરતા આગામી સમયમાં હજુ અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી શકે છે.
અગાઉ પણ અનેક વખત સસ્તામાં અને મફતના ભાવે સામાન કે કીમતી વસ્તુઓ આપવાની લાલચ આપી ઠગાઈ આચરતા હોવાના અનેક કિસ્સાઓ બહાર આવી ચૂક્યા છે. જોકે આ વખતે આસમાને કિંમતે પહોંચતા સોનાને મફત અને સસ્તા ભાવે લાલચ આપી લોકોને ઠગતી ગેંગો પણ સક્રિય થઈ છે. કિસ્સાઓ બન્યા છતાં પણ લાલચુ લોકો આવા ઠગોની માયાજાળમાં ફસાય છે. ત્યારે સુરતના વેપારીએ પણ સસ્તામાં સોનાની લાલચે લાખો રૂપિયા ગુમાવ્યા હતા. જોકે હવે આરોપીઓ પોલીસના હાથે લાગતા અન્ય ગુનાઓના પણ ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.