July 5, 2024

વડોદરા ભાજપની ‘જ્યોતિ’ બુઝાઇ, રાષ્ટ્રિય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ભાજપમાંથી સસ્પેન્ડ

વડોદરા: આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એક્શનમોડમાં જોવા મળી રહ્યા છે. ભાજપે ગઈ કાલે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. ભાજપની બીજી યાદીમાં વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે. ત્યારે આ બધાની વચ્ચે ભાજપમાં ભૂકંપની પરિસ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી મુજબ વડોદરામાં રાષ્ટ્રિય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉ. જ્યોતિ પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે.

બીજેપીએ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉ. જ્યોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક પણે સસ્પેન્ડ કર્યા છે. કહેવામા આવી રહ્યુ છે. કે, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની સૂચનાથી ડો.જ્યોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દાથી દૂર કરાયા છે. જો કે તેમને કેમ હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા તેનું કારણ હાલ સામે આવ્યું નથી. જ્યોતિબેન પંડ્યા વડોદરા લોકસભા બેઠકના પ્રબળ દાવેદાર હતા.

ઉલ્લેખનીય છે કે, આ અંગે જ્યોતિબેન પંડ્યાએ સવારે જ પાર્ટી છોડવાની વાત કરી હતી. તેમજ રંજનબેનના કારણે પાર્ટીના કાર્યકરો દુ:ખી છે. જેને લઇને જ્યોતિબેન પંડ્યાએ કહ્યું હતું કે, હું આ અંગે રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરીશ. વધુમાં જ્યોતિબેને એવું પણ કહ્યું હતું કે, રંજનબેનને સાંસદ તરીકે વડોદરાની જનતા પસંદ કરતું ન હતું.