December 27, 2024

વિક્રમાદિત્ય સિંહે રાજીનામું પાછું ખેંચ્યું, કહ્યું- હિમાચલ સરકાર પર કોઈ સંકટ નથી

Himachal Political Crisis: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ બળવો કર્યા બાદ સુખુ સરકારની મુશ્કેલીઓ વધી ગઈ હતી જોકે હાલ કોંગ્રેસ સરકાર માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. કારણે પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્યએ રાજીનામું પાછું ખેંચી લીધું છે. હિમાચલના પ્રભારી બનાવવામાં આવેલા રાજીવ શુક્લાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વિક્રમાદિત્ય સિંહે રાજીનામું પાછું ખેંચી લીધું છે અને કહ્યું છે કે માણસ મોટો નથી, સંગઠન મોટું છે. સરકાર પર કોઈ સંકટ નથી.

નોંધનીય છે કે વિક્રમાદિત્ય સિંહે બુધવારે સવારે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામાની જાહેરાત કરતી વખતે તેણે પોતાના પિતાની સરખામણી છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર સાથે કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિક્રમાદિત્ય પોતાના પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. જેમાં તેણે તેના પિતાની સરખામણી છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર સાથે કરી હતી. વધુમાં તેણે કહ્યું કે આખી ચૂંટણી વીરભદ્ર સિંહના નામે થઈ હતી. ભારે મન સાથે મારે કહેવું છે કે હિમાચલમાં જે વ્યક્તિના કારણે કોંગ્રેસની સરકાર બની હતી તેની પ્રતિમા સ્થાપિત કરવા માટે શિમલાના મોલ રોડ પર 2 ગજની જમીન પણ આપવામાં આવી નથી, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ બીજી વખત શિમલા ગ્રામીણ વિધાનસભા મત વિસ્તારથી ધારાસભ્ય બન્યા છે. વિક્રમાદિત્ય સિંહ દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેણે હંસરાજ કોલેજમાંથી ગ્રેજ્યુએશન અને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી માસ્ટર્સ કર્યું છે. તેમણે તેમની રાજકીય કારકિર્દી 2013માં શરૂ કરી હતી જ્યારે તેમને હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેઓ 2013 થી 2017 દરમિયાન હિમાચલ યુથ કોંગ્રેસના પ્રમુખ હતા.