December 12, 2024

બંધારણના અપમાન મુદ્દે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા,, આગચંપી બાદ ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા

Maharashtra Parbhani Violence: મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને અચાનક હિંસા ફાટી નીકળી છે. આ પછી ઘણા વિસ્તારોમાં આગચંપી કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જે લોકો બંધારણનું અપમાન કરે છે તેમને ફાંસીની સજા મળવી જોઈએ. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા છે. બેકાબૂ લોકોને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર છે. આંબેડકરી અનુયાયીઓ પરભણી શહેરમાં કલેક્ટર કચેરીની સામે પ્રતિમા વિસ્તારમાં એકઠા થયા હતા અને સડક રોકો અને રેલ રોકો દેખાવો પણ કર્યા હતા. સાવચેતીના પગલા તરીકે, ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને તેની સાથે BNSSની કલમ 163 લાગુ કરવામાં આવી છે.

વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે પરભણીમાં જ્ઞાતિવાદી મરાઠા બદમાશો દ્વારા બાબાસાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણની તોડફોડ કરવી ખૂબ જ શરમજનક છે. તેમણે કહ્યું છે કે બાબાસાહેબની પ્રતિમા અથવા દલિત ઓળખના પ્રતિક પર આ પ્રકારની તોડફોડ પહેલીવાર નથી થઈ.

તેમણે કહ્યું, “VBA પરભણી જિલ્લાના કામદારો પ્રથમ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના વિરોધને કારણે પોલીસે એફઆઈઆર નોંધી હતી અને એક બદમાશની ધરપકડ કરી હતી. હું દરેકને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરું છું. જો આગામી 24 કલાકમાં તમામ બદમાશોની ધરપકડ કરવામાં નહીં આવે તો તેના પરિણામો ભોગવવા પડશે.

પરભણી પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે કે એક જગ્યાએ પાંચથી વધુ લોકો એકઠા ન થાય નહીંતર કાર્યવાહી કરવામાં આવશે. આઈજી રેન્કના અધિકારી શાહજી ઉમપને મોકલવામાં આવ્યા છે અને આ સાથે પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં ન લે અને શાંતિ જાળવવામાં મદદ કરે.