September 19, 2024

વિરમગામમાં ડોક્ટરને બદનામ કરવાની ધમકી આપી 4 લાખ પડાવ્યાં, આરોપીની ધરપકડ

અમદાવાદઃ વિરમગામમાં ડોક્ટરને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, વિરમગામમાં રહેતા પ્રતિષ્ઠિત ડોક્ટર અને વિરમગામ-માંડલ રોડ પર આવેલી શિવ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન પ્રકાશભાઈ સારડાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ચાર લાખ રૂપિયા પડાવ્યાં હતા. આ બાબતે ડોક્ટર પ્રકાશભાઈએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ રાજ્યમાં 28 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, અમદાવાદના આ શિક્ષક છવાઈ ગયા

વિરમગામ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર કેએસ દવેને બાતમી મળી હતી કે, ખંડણીખોર શખ્સ ચાર લાખ રૂપિયા સાથે વિરમગામ-માંડલ રોડ પર ભોજવા બ્રિજ પાસે ચામુંડા માતાના મંદિર પાસે છે. ત્યારે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આ મામલે આરોપી વિજય સભાડની ધરપકડ કરી હતી અને 4 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.