September 8, 2024

શહેરની વિવેકાનંદ કોલેજને સીલ મારી દેતા વિદ્યાર્થીઓએ ભજીયા વેચીને કર્યો અનોખો વિરોધ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: અમદાવાદની વિવેકાનંદ કોલેજને સીલ મારી દેવામા આવતા વિદ્યાર્થીઓએ ભજીયા વેચીને અનોખો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સત્તાધીશો દ્વારા કોલેજ ખોલવામા નહીં આવે તો છેલ્લે જીવનમાં ભજીયા વેચીને જ ગુજરાન ચલાવવુ પડશે. વિદ્યાથીઓએ કોલેજનું સીલ ખોલો અથવા ઈચ્છા મૃત્યુની પરવાનગી આપોના બેનર સાથે વિરોધ કર્યો હતો.

રાજકોટ અગ્રિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા શોપિગ કોમ્પલેક્ષ, રેસ્ટોરન્ટ્સ, શાળા-કોલેજો સામે બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઇને કાર્યવાહી કરવામા આવી હતી, જેમાં કોઇપણ સંસ્થા પાસે એક પણ ડોક્યુમેન્ટ ન હોય તો સીલ મારી દેવામાં આવતું હતું, જેને કારણે અમદાવાદની એક માત્ર કોલેજ વિવેકાનંદ કોલેજને પણ બીયુ પરમિશનને લઇને સીલ મારી દેવામાં આવ્યું છે. આજે 60 દિવસ થવા છતાં પણ કોલેજનું સીલ ખોલવામા ન આવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.

વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કોલેજની બહાર ભજીયા તળીને વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે આજે રેસ્ટોરન્ટ, મોલ્સ ખોલવાની પરમિશન આપી દેવામા આવે અને શૈક્ષણિક સંસ્થા જ કેમ બંધ રાખવામા આવી છે. આમ કરવાથી અમારૂ શિક્ષણ બગડી રહ્યુ છે.

કોલેજ સત્તાધીશોએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે, બીયુ પરમિશનને લઇને તમામ ડોક્યુમેન્ટ કોર્પોરેશનમા એક વર્ષ પહેલા જ જમા કરવામા આવ્યાં છે, છતાં તેની સામે કોઇ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. રાજકોટ અગ્રિકાંડ બાદ શહેરમાં થયેલ કાર્યવાહીમાં કોલેજને સીલ મારી દેવામાં આવ્યું છે. હાલમા ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કેવી રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓનો અભ્યાસપુર્ણ થઇ ચુક્યો છે તેમના ડોક્યુમેન્ટ અને જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓની માર્કશીટ વેરિફિકેશન સહીતની કામગીરી કેવી રીતે કરવી તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સત્તાધીશોની આંખ ખુલે તે માટે કોલેજ દ્વારા ફુટપાથ પર શૈક્ષણિક કાર્ય કરવામા આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ ભર તડકામાં બેસીને અભ્યાસ કર્યો હતો. તેમ છતાં પણ સત્તાધીશોએ સીલ ખોલ્યું નહતું. બીજી બાજુ હવે આ મામલે યુનિવર્સિટી શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.