વક્ફ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મુલતવી, હવે આગામી 15મી એ થશે સુનાવણી

દિલ્હી: વકફ સુધારા કાયદાની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર લગભગ બે અઠવાડિયા પછી સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી શરૂ કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ પીવી સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. કોર્ટ બેસતાની સાથે જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને આગામી અઠવાડિયા સુધી સુનાવણી મુલતવી રાખવા વિનંતી કરી હતી. બેન્ચે તેમની માંગણી સ્વીકારી હતી. આમ, હવે આ મામલાની સુનાવણી આગામી ગુરુવાર – 15 મેના રોજ થશે.

આજની સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ નોંધ્યું કે, તેમણે સરકાર દ્વારા દાખલ કરાયેલી બધી દલીલો અને જવાબ વાંચ્યો છે. કોર્ટે કહ્યું કે, નોંધણી અને ચોક્કસ ડેટાના આધારે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. જેના પર અરજદારો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, CJI ખન્નાની નિવૃત્તિ નજીક હોવાથી તે છેલ્લા તબક્કે પણ કોઈ નિર્ણય કે આદેશ અનામત રાખવા માગતી નથી. આવી સ્થિતિમાં હવે આ મામલાની સુનાવણી આગામી ગુરુવારે દેશના CJI બનવા જઈ રહેલા જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવશે.

વકફ કાયદા વિશે કેટલીક વાતો
વકફ મિલકતોનું નિયમન અને વ્યવસ્થાપન કરવા માટે સરકારે 1995ના વકફ કાયદામાં કેટલાક સુધારા કર્યા હતા. વિરોધ પક્ષો અને મુસ્લિમ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં તેને ધાર્મિક અને મૂળભૂત અધિકારો પર અતિક્રમણ ગણાવ્યું છે. આ કાયદો લોકસભા દ્વારા 3 એપ્રિલે અને રાજ્યસભા દ્વારા 4 એપ્રિલે પસાર કરવામાં આવ્યો હતો. 5 એપ્રિલે રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા બાદ આ સુધારો અમલમાં આવ્યો.

કેન્દ્ર સરકાર અને ઘણી ભાજપ શાસિત રાજ્ય સરકારો દ્વારા કોર્ટમાં કાયદાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પડકાર આપનારા કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીનના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નામ ટોચ પર છે. છેલ્લી સુનાવણી દરમિયાન સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે તે કાયદાની વિવાદાસ્પદ જોગવાઈઓ પર હાલમાં કોઈ પહેલ કરશે નહીં. જેમાં ઉપયોગના આધારે વકફ તરીકે ગણવામાં આવતી મિલકતો કોર્ટ દ્વારા જાહેર કરાયેલ વકફ મિલકત અને વકફ બોર્ડ અથવા કાઉન્સિલમાં બિન-મુસ્લિમોના પ્રવેશનો સમાવેશ થાય છે.