13 કલાકની ચર્ચા બાદ રાજ્યસભામાં પણ વકફ બિલ પસાર; પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા

Waqf Bill: વકફ સુધારા બિલ-યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ (UMED) પર 13 કલાક લાંબી ચર્ચા બાદ રાજ્યસભાએ ગુરુવારે રાત્રે 2:30 વાગ્યા પછી તેને મંજૂરી પણ આપી દીધી. લોકસભાની જેમ ઉપલા ગૃહે પણ વિપક્ષના તમામ સુધારા પ્રસ્તાવોને બહુમતથી નકારી કાઢ્યા. આ પહેલા લોકસભાએ બુધવારે રાત્રે લગભગ 1:56 વાગ્યે વકફ સુધારા બિલને બહુમતીથી પસાર કર્યું હતું. બિલના પક્ષમાં 288 મત પડ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. લોકસભામાં આ બિલ પર 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ. આ બિલ હવે રાષ્ટ્રપતિ પાસે સહી માટે જશે અને સરકાર દ્વારા તેને સૂચિત કર્યા પછી તે કાયદાનું સ્વરૂપ લેશે.
વકફ સુધારા બિલ પર 13 કલાકથી વધુ સમય સુધી ચર્ચા કર્યા બાદ રાજ્યસભાએ પણ ગુરુવારે રાત્રે 2:30 વાગ્યે મંજૂરી આપી દીધી. મતદાન દરમિયાન 128 સાંસદોએ વક્ફ સુધારા બિલ 2025ના પક્ષમાં મતદાન કર્યું અને 95 સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. આ સાથે ‘મુસ્લિમ વકફ (રદ) બિલ, 2024’ પણ ઉપલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું.
આ નેતાઓએ ચર્ચામાં આગેવાની લીધી
આ પહેલા બિલ પર શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. વિપક્ષ તરફથી મલ્લિકાર્જુન ખડગે, રામ ગોપાલ યાદવ, કપિલ સિબ્બલ અને અન્ય અગ્રણી નેતાઓએ બિલનો વિરોધ કર્યો, જ્યારે શાસક પક્ષ તરફથી કિરેન રિજિજુ, જેપી નડ્ડા, રાધા મોહન અગ્રવાલ, ઉપેન્દ્ર કુશવાહા વગેરેએ આગેવાની લીધી હતી.