‘અમે ધમકીઓ કે દબાણથી ડરવાના નથી’, અમેરિકાએ ટેરિફ લાદતાં ડ્રેગને બતાવી લાલઆંખ

USA-China: ચીને અમેરિકાને કડક ચેતવણી આપી હતી. આ ચેતવણી ત્યારે આપવામાં આવી હતી જ્યારે અમેરિકાએ થોડા દિવસો પહેલા ચીનથી આવતા તમામ માલ પર 34% ટેક્સ (ટેરિફ) લાદવાની જાહેરાત કરી હતી. ચીને અમેરિકાના ટેરિફને એકપક્ષીય અને ફક્ત પોતાના ફાયદા માટે જ લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે અમેરિકા પોતાના હિતોને પૂર્ણ કરવા માટે અન્ય દેશોને નુકસાન પહોંચાડી રહ્યું છે.
‘ધમકી અને દબાણ કામ નહીં કરે’
ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાના નવા ટેરિફની આકરી ટીકા કરી છે. ચીને કહ્યું કે અમેરિકા એવા પગલાં લઈ રહ્યું છે જે ફક્ત તેના ફાયદા માટે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે. ચીને તેને એકતરફી વલણ ગણાવ્યું અને કહ્યું કે ધમકીઓ અને દબાણ દ્વારા વાતચીત થઈ શકતી નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું હતું કે, “પારસ્પરિક કરના નામે, અમેરિકા વિશ્વને ધમકાવવા માંગે છે. તે ફક્ત પોતાના ફાયદા માટે અન્ય દેશોના હિતોને અવગણી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય નિયમોને બદલે પોતાના નિયમો લાદી રહ્યું છે.” જિયાને કહ્યું, “આ સંપૂર્ણપણે એકતરફી વિચારસરણી, સ્વાર્થી નીતિ છે. અમેરિકા પોતાનું આર્થિક પ્રભુત્વ વધારવા માંગે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે આ પગલાં લીધાં
ફેબ્રુઆરી અને માર્ચમાં ટ્રમ્પ વહીવટીતંત્રે બે વાર ચીની માલ પર 10% ટેરિફ લાદ્યો હતો, જેમાં ચીન પર ફેન્ટાનાઇલ કટોકટીને વેગ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી ટ્રમ્પ વહીવટીતંત્રે તમામ ચીની વસ્તુઓ પર 34% ટેક્સ લાદવાનો નિર્ણય લીધો.
ચીને બદલો લીધો હતો
ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલા બાદ ચીને 10 એપ્રિલથી યુનાઇટેડ સ્ટેટ્સથી આયાત થતા તમામ ઉત્પાદનો પર વધારાનો 34 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. સ્ટેટ કાઉન્સિલના કસ્ટમ્સ ટેરિફ કમિશને શુક્રવારે આ જાહેરાત કરી. ચીની પંચે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય વેપાર નિયમો અનુસાર નથી.
આ ઉપરાંત, ચીનના વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે તે હવે કમ્પ્યુટર ચિપ્સ અને ઇલેક્ટ્રિક વાહન બેટરીમાં વપરાતા ચોક્કસ ખનિજોના નિકાસને નિયંત્રિત કરશે. આમાં સમેરિયમ અને ગેડોલિનિયમ જેવા દુર્લભ તત્વોનો સમાવેશ થાય છે. સમેરિયમનો ઉપયોગ વિમાન અને સંરક્ષણ સાધનો બનાવવા માટે થાય છે, જ્યારે ગેડોલિનિયમનો ઉપયોગ MRI સ્કેન જેવા તબીબી સાધનોમાં થાય છે.