‘કઠુઆમાં સેના જવાનોના મોતનો બદલો લઈશું’, સરકારે આતંકીઓને આપી ચેતવણી
Kathua Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગઈકાલે થયેલ આતંકી હુમલામાં દેવભૂમિ ઉત્તરાખંડના 5 જવાનો શહીદ થયા હતા. સમાચાર બાદ દેવભૂમિ શોકમાં ડૂબી ગયું છે. શહીદોના પરિવારજનો ઘેરા આઘાતમાં છે. તો, શહીદોના ઘર અને ગામડાઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. દરમિયાન સંરક્ષણ સચિવ ગિરધર અરમાનેએ કડક શબ્દોમાં કહ્યું કે પાંચ જવાનોની હત્યાનો બદલો લેવામાં આવશે અને ભારત હુમલા પાછળની દુષ્ટ શક્તિઓને છોડશે નહીં. તો સાથે સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહે જવાનોની શહીદી પર શોક વ્યક્ત કરતાં કહ્યું છે કે સશસ્ત્ર સેનાઓ વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન શરૂ
ઉલ્લેખનીય છે કે, કઠુઆના બિલાવર ઉપજીલ્લામાં બદનોતાના બરનૂડ વિસ્તારમાં જેડા નાળા પાસે સોમવારે સેનાના એક વાહન પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. તો કેટલાંક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાઇ એલર્ટ અને હુમલાના ઈનપુટ વચ્ચે છેલ્લા એક મહિનામાં જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવેલ આ સૌથી મોટો આતંકી હુમલો હતો. હુમલો કરવા માટે જવબદર આતંકીઓને પકડી પાડવા માટે મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કપરા સમયમાં પરિવાર સાથે ઊભો છે આખો દેશ
રક્ષામંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર ટ્વિટ કરતાં કહ્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીરના બદનોતામાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના પાંચ બહાદુર જવાનોની શહાદતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ મુશ્કેલ સમયમાં દેશ તેમની સાથે છે. આતંકવાદ વિરોધી કામગીરી ચાલુ છે અને અમારા સૈનિકો આ વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. વધુમાં ઘાયલ જવાનોના જલ્દી સાજા થવા માટે તેમણે પ્રાર્થના પણ કરી હતી.
આતંકીઓને હરાવશે ભારત
રક્ષા સચિવ અરમાને પણ હુમલામાં પાંચ બહાદુર જવાનોના મૃત્યુ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘દેશ પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવા હંમેશા યાદ રાખવામાં આવશે અને તેમના બલિદાનનો બદલો લેવામાં આવશે અને ભારત હુમલામાં સામેલ દુષ્ટ શક્તિઓને હરાવી દેશે.’