September 20, 2024

રાજ્યભરમાં વરસાદી માહોલ, છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ભારે વરસાદ

ગાંધીનગર: હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો રાજ્યના 25 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને રાજ્યના 89 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઉમરપાડામાં પોણા 12 ઈંચ વરસાદ વરસ્યો છે.

મળતી માહિતી અનુસાર ફરી એકવાર રાજ્યભરમાં મેઘો મંડાયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વાલીયામાં 5, સાગબારામાં સવા 3 ઈંચ વરસાદ છે તો ખેરગામમાં પોણા 3 ઈંચ, સંખેડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ માંગરોળમાં 2 ઈંચ, દાહોદમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: MP-UP અને રાજસ્થાન સહિત આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, IMDએ આપ્યું એલર્ટ

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મોડી રાતથી અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચના વાલીયામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ધનસુરા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે અંબાજી જતા પદયાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.