ભારે વરસાદની આગાહીને પગલે રાહત કમિશનરે બોલાવી વેધર વોચ ગ્રુપની બેઠક
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2024/07/Weather-Watch-Group-Meeting.jpg)
ગાંધીનગર: ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોચી વળવા રાહત કમિશનર જેનુ દેવાનની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવમાં આવી હતી.
આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.04 જુલાઈ, 2024 સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં NDRFના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે NDRFની 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે તથા 5 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે તેમજ SDRFની તમામ પ્લાટૂન જરૂરીયાત જાણાતા સ્થળે ડિપ્લોય કરી દેવામાં આવી છે અને સમગ્ર ટીમો જિલ્લા વહીવટીતંત્રના આદેશાનુસાર રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે.
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, હાલમાં રાજયમાં 29% જેટલું વાવેતર થઈ ગયું છે. તેમજ વરસાદના કારણે રાજયમાં પાકમાં કોઈ પણ નુકશાનીની ભીતિ નથી. રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.
આ મીટીંગમાં સિંચાઈ, SSNNL, CWC-Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, ઈસરો, BISAG-N, ફિશરીઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, GMB, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, UDD, ફાયર, પંચાયત, પશુપાલન, શિક્ષણ, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, માહિતી વિભાગ તથા ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન એરફોર્સના નોડલ અઘિકારીઓ હાજર રહ્યા હતા.