ગાઝામાં ઇઝરાયલનું ભૂમિ ઓપરેશન ચાલુ, હવાઈ હુમલામાં 20નાં મોત; નેત્ઝારીમ પર ફરી કબજો

West Asia Unrest: ઇઝરાયલી સેનાએ મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં ભૂમિ કાર્યવાહી ફરી શરૂ કરી છે. સ્થાનિક આરોગ્ય કર્મચારીઓના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલાના બીજા દિવસે 20 પેલેસ્ટિનિયનોનાં મોત થયાની માહિતી છે. આ દરમિયાન ઇઝરાયલે કહ્યું કે, તે તેનું ભૂમિ ઓપરેશન ચાલુ રાખશે.
મંગળવારે હવાઈ હુમલામાં 400થી વધુ પેલેસ્ટિનિયનો પણ માર્યા ગયા હતા. સંઘર્ષ શરૂ થયો ત્યારથી તે સૌથી ઘાતક દિવસ હતો. આ હુમલો જાન્યુઆરીથી અમલમાં રહેલા યુદ્ધવિરામનો મોટાભાગે ભંગ કરે છે. સેનાએ કહ્યું કે, તેણે નેત્ઝારિમ કોરિડોરના એક ભાગ પર ફરીથી કબ્જો કરી લીધો છે, જે ઉત્તરી ગાઝાને દક્ષિણથી અલગ કરે છે. અહીંથી સેના યુદ્ધવિરામ હેઠળ પાછળ હટી ગઈ હતી. બુધવારે મધ્ય ગાઝામાં યુએન મુખ્યાલય પર ઇઝરાયલી હવાઈ હુમલામાં એક વિદેશી કર્મચારીનું મોત થયું હતું અને પાંચ ઘાયલ થયા હતા, એમ સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું. જો કે, ઇઝરાયલે કહ્યું કે તેણે હમાસના એક ઠેકાણા પર હુમલો કર્યો હતો.
જમણેરી નેતા ગ્વીર ફરીથી નેતન્યાહૂ સાથે જોડાયા
ગાઝા પટ્ટી પર હુમલા ફરી શરૂ થયા બાદ બુધવારે જમણેરી નેતા ઇટામાર બેન-ગ્વીર રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી તરીકે ઇઝરાયલી સરકારમાં પાછા ફર્યા હતા. હમાસ સાથે યુદ્ધવિરામનો વિરોધ કરવા માટે ગ્વીરે જાન્યુઆરીમાં પીએમ બેન્જામિન નેતન્યાહૂનું ગઠબંધન છોડી દીધું હતું. હાલમાં 59 ઇઝરાયલી બંધકો હમાસની કસ્ટડીમાં હોવાનું કહેવાય છે. તેના પરિવારને ડર છે કે હુમલા ફરીથી શરૂ થઈ શકે છે.