October 6, 2024

UKની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતી મૂળની શિવાની રાજાએ કર્યો કમાલ, તોડ્યો 37 વર્ષનો રેકોર્ડ

આ વખતે યુકેની ચૂંટણીમાં ભારતીયોની ખૂબ બોલબાલા છે. ત્યારે ભારતીય મૂળના 26 સાંસદો સંસદમાં ચૂંટાયા છે. કન્ઝર્વેટિવ પાર્ટી (ટોરી) ભલે ચૂંટણી હારી ગઈ હોય પરંતુ તેના ભારતીય મૂળના નવા ચૂંટાયેલા સાંસદ શિવાની રાજા વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ વખતે તેઓ લેસ્ટર ઈસ્ટ સીટ પરથી ચૂંટણી જીત્યા છે. શિવાનીએ લંડનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને હરાવ્યા હતા. નોંધનીય વાત એ છે કે આ બેઠક પર ટોરી નેતા જીત્યાને 37 વર્ષ થયા છે.

લેસ્ટર ઈસ્ટની સીટ પર લેબર પાર્ટીની મજબૂત પકડ હોવાનું માનવામાં આવતું હતું. આ સીટ 37 વર્ષમાં પ્રથમ વખત ટોરીઓએ કબજે કરી છે. શિવાની રાજાને લેસ્ટર ઈસ્ટમાં 14526 વોટ મળ્યા છે. તેઓ રાજેશ અગ્રવાલ સામે 4 હજારથી વધુ મતોથી જીત્યા હતા. શિવાની રાજા મૂળ ગુજરાતી છે. તેમના પરિવારના સભ્યો દીવમાં રહેતા હતા. ચૂંટણી દરમિયાન શિવાની બ્રિટનમાં રહેતા ભારતીય ઈમિગ્રન્ટ્સ સાથે સતત જોડાયેલી રહી જેનાથી તેમને ફાયદો પણ થયો.

હાલમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે શિવ કથા સાંભળવા આવ્યા હતા. આ પછી તેમણે ત્યાં ગરબા પણ કર્યા. તેમણે ભારતમાં રહેતા બ્રિટિશ મતદારોને પણ પ્રભાવિત કર્યા અને તેમને ઓનલાઈન મતદાન કરવા અપીલ કરી. શિવાની રાજાએ ખાસ કરીને દીવ અને ગુજરાતમાં રહેતા બ્રિટિશ લોકોનો સંપર્ક કર્યો.

આ પણ વાંચો: શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નેશનલ હાઈવે પર પલટી ગઇ, 2 ડઝન મુસાફરો ઘાયલ

શિવાનીના માતા-પિતા 70ના દાયકામાં કેન્યાથી લેસ્ટર આવ્યા હતા. તેણે ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાંથી તેનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક સાયન્સમાં સ્નાતક થયા. આ પછી તેમણે ઘણી કોસ્મેટિક બ્રાન્ડ્સ સાથે પણ કામ કર્યું. તમને જણાવી દઈએ કે આ વખતે ચૂંટણીમાં લેબર પાર્ટીને 412 સીટો મળી છે જ્યારે ટોરીને માત્ર 121 સીટ જ મળી છે. આ પછી ઋષિ સુનકે ટોરી ચીફ અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

લેસ્ટર એ જ શહેર છે જ્યાં 2022માં ક્રિકેટ મેચ દરમિયાન ભારતીયો અને પાકિસ્તાનીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન એવું જોવા મળ્યું હતું કે કીર સ્ટારમેરે પણ ભારતીયો અને હિંદુઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર બનાવ્યા બાદ તેઓ ભારત સાથે વ્યૂહાત્મક સંબંધોને આગળ ધપાવશે જેમાં મુક્ત વેપાર કરાર પણ સામેલ હશે.