RSS ચીફ મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS Chief Mohan Bhagwat: RSS વડા મોહન ભાગવત આજે શુક્રવારે (28 જૂન) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પહેલાથી જ મોહન ભાગવતના સ્વાગત માટે ગેટ પર હાજર હતા અને મોહન ભાગવત પહોંચતા જ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધી હતા. જણાવવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણીના લગ્ન પહેલા તમામ મોટા વીઆઈપી સાથે ફોટોશૂટ ચાલી રહ્યું છે અને આ અંતર્ગત મોહન ભાગવત આજે અંબાણીના ઘરે એન્ટિલિયા પહોંચ્યા હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ફરી એકવાર મેગા સેલિબ્રેશન શરૂ થઈ રહ્યું છે. આ પહેલા અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ખૂબ ચર્ચા થઈ હતી.
12મી જુલાઈના રોજ યોજાશે લગ્ન, અત્યારથી જ ઉજવણી શરૂ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આવતા મહિને એટલે કે 12મી જુલાઈના રોજ થવાના છે, પરંતુ તેના માટે સેલિબ્રિટીઝની ભીડ અત્યારથી જ આવવા લાગી છે. લગ્નનો આ ભવ્ય કાર્યક્રમ મુંબઈમાં જ યોજાનાર છે. આ પછી 13મી જુલાઈએ આશીર્વાદનો કાર્યક્રમ અને 14મી જુલાઈએ તેમનું ભવ્ય રિસેપ્શન થશે. અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના નાના પુત્ર છે અને તેમના લગ્ન મુંબઈના એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે થઇ રહ્યાં છે.
દુનિયાભરમાંથી લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા
આ વર્ષની શરૂઆતમાં જામનગરમાં આયોજિત પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં વિશ્વભરમાંથી અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. આ અવસર પર બિઝનેસ જગત, બોલિવૂડ અને હોલીવુડના સ્ટાર્સે ભાગ લીધો હતો, જે બાદ તે યાદગાર સમારોહ બની ગયો હતો. ઈવાન્કા ટ્રમ્પ, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન સન્માનિત મહેમાનોમાં સામેલ હતા. પોપ સેન્સેશન રીહાન્નાએ ભારતમાં તેનું પ્રથમ પરફોર્મન્સ આપ્યું હતું.