December 3, 2024

મમતા બેનર્જી સ્પેશિયલ: મમતાએ શા માટે કોંગ્રેસથી છુટા થઈ બનાવી અલગ પાર્ટી

અમદાવાદ: તારીખ 14 ડિસેમ્બર, 1997ના સમયે મમતા બેનર્જીને સોનિયા ગાંધી સાથે મળવાનો કેટલોક સમય મળે છે. બંન્નેની વાતચીત ખુબ લાંબી ચાલે છે. મમતાજીએ એ સમયે સોનિયા ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ થવા માટે કહ્યું. જેના જવાબમાં સોનિયા ગાંધીએ કંઈ પણ ઉત્તર આપ્યો નહોતો. આ કારણે મમતા બેનર્જી ખુબ જ નિરાશ થયા હતા. બસ, આજ નિરાશાએ આગળ જઈને અલગ પાર્ટી સુધીની વિશાળ છંલાગ લગાવી. મમતા બેનર્જી અનુસાર, સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, હું અધ્યક્ષ નહીં બની શકું. હું વિદેશી છું. દરેક લોકો મારો સ્વીકાર નહીં કરે. આ રીતે સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને નવી પાર્ટી બનાવવાથી રોક્યા હતા.

મમતાએ નવી પાર્ટી બનાવવાની તૈયારીઓ શરૂ કરી
આ દરમિયાન સોનિયા ગાંધીએ કોંગ્રેસના મહાસચિવ ઓસ્કર ફર્નાન્ડિસને મમતા સાથે બેસીને નોટ તૈયાર કરવા કહ્યું હતું, પરંતુ જ્યારે આ બેઠકમાં કોઈ ઉકેલ ન આવ્યો ત્યારે મમતાને સમજાયું કે નવા પક્ષની નોંધણીની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર છે અને આ ચૂંટણીમાં તેમને ઉમેદવારી નોંધાવાથી રોકવાનું એક ષડયંત્ર હતું. એ તમામ સંજોગોને સારી રીતે સમજી ગયા. તેમણે સમજદારી અને ધીરજ બતાવી.સૌ પ્રથમ તેમણે નવા પક્ષની રચનાની પ્રક્રિયા પર કામ કરવાનું શરૂ કર્યું અને પક્ષનું પ્રતીક, બંધારણ અને કાગળ તૈયાર કરવાનું શરૂ કર્યું.

મમતા બેનર્જી, સોનિયા ગાંધી અને સીતારામ કેસરી
મમતા અને તેમના સાથીઓ પોતાને “વાસ્તવિક કોંગ્રેસ” માનતા હોવાથી તેઓ કોંગ્રેસના બંધારણની તર્જ પર બંધારણનો મુસદ્દો ઘડી રહ્યા હતા. 17 ડિસેમ્બર 1997ના રોજ એક જ દિવસમાં અનેક ઘટનાઓ બની હતી. સોનિયા ગાંધી તરફથી ઉમેદવારી ન ભરવા માટે દબાણ આવી રહ્યું હતું. કોંગ્રેસે પણ મમતાના ભાઈનો સંપર્ક કર્યો અને તેમના દ્વારા મમતાને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેથી તે પાર્ટી ન બનાવે. બીજી તરફ મમતાએ નક્કી કર્યું હતું કે તે નવી પાર્ટી તૃણમૂલ માટે નોમિનેશન ફાઇલ કરશે અને દસ્તાવેજો ચૂંટણી પંચના બોક્સમાં મૂકવામાં આવશે. મમતાને ખબર હતી કે કોંગ્રેસ બીજી કોઈ ચાલ કરી શકે છે. તેથી કોંગ્રેસની કોઈપણ ચાલને ટાળવા માટે આ એક ચાલાકીભર્યું પગલું હતું. મમતાને હજુ પણ આશા હતી કે કોંગ્રેસ સાથે કોઈ સમજૂતી થશે પરંતુ તેમ થયું નહીં.

મમતાને ફરીથી સોનિયાનો ફોન આવ્યો
19 ડિસેમ્બરે સવારે 10.30 વાગ્યે મમતા બેનર્જીને સોનિયા ગાંધીનો ફોન આવ્યો. સોનિયાના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી અને તેમાં એક દરખાસ્ત પર સહમતિ બની હતી, પરંતુ તેના વિશે ક્યારેય કોઈ જાહેરાત કરવામાં ન આવી. તેની જગ્યાએ હૈદરાબાદ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીએ કહ્યું કે, પ્રચાર સમિતિના સંયોજક તરીકે મમતાજીની પસંદગી કરવામાં આવી છે. આ તેના દ્વારા ફેંકવામાં આવેલ છેલ્લુ પાસુ હતું, પરંતુ હવે રમત તેમના હાથમાંથી નિકળી ગઈ હતી.

મમતાએ તૃણમૂલ બનાવવાનો લીધો અંતિમ નિર્ણય
અંતે, 22 ડિસેમ્બર, 1997ના રોજ, મમતા અને તેમના સાથીઓએ એક નવો પક્ષ બનાવવાનો અંતિમ નિર્ણય લીધો. જેને તેઓએ તૃણમૂલ (ગ્રાસરૂટ) કોંગ્રેસ નામ આપ્યું. મમતા બેનર્જી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે તેમને સમાચાર મળ્યા કે તેમને અને તેમની પાર્ટીના લોકોને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. જે બાદ દાયકાઓ જૂની પાર્ટીમાં આ તેમના કાર્યકાળનો અંત હતો. તૃણમૂલ કોંગ્રેસની શરૂઆત 1 જાન્યુઆરી 1998ના રોજ થઈ હતી. જે બંગાળના રાજકારણમાં નવા નેતા સાથેનો નવો પક્ષ ઉભરી આવ્યો હતો. મમતાએ શરૂઆતથી જ પાર્ટી પર ચુસ્ત પકડ બનાવી રાખી હતી.

પ્રથમ ચૂંટણીમાં સાત બેઠકો જીતી
નવી પાર્ટીની રચનાના થોડા દિવસોમાં મમતા બેનર્જી ઘણીવાર દિલ્હીમાં સમતા પાર્ટીના પ્રમુખ જ્યોર્જ ફર્નાન્ડિસના સત્તાવાર નિવાસસ્થાન પર જતા જોવા મળ્યા હતા. ફેબ્રુઆરીમાં લોકસભાની ચૂંટણી શરૂ થઈ ત્યારે મમતા પણ સમાનતાના માર્ગે જતા હોય તેવું લાગી રહ્યું હતું. હવે તેમનું ગઠબંધન ભારતીય જનતા પાર્ટી સાથે હતું અને પહેલી જ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને સાત બેઠકો મળી હતી. જે તે સમયે મમતા બેનર્જી માટેની જોરદાર જીત હતી.

આ રીતે મમતાનો કોંગ્રેસથી થયો મોહભંગ
મમતાએ કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યું ન હતું. તેની શરૂઆત 1996માં થઈ હતી, જ્યારે મમતા બંગાળ યુથ કોંગ્રેસના અધ્યક્ષ હતા. મમતાની નજર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પર હતી, પરંતુ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીએ તેમના નજીકના મિત્ર સોમેન મિત્રાને પશ્ચિમ બંગાળ રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા. મમતા સોમેનને પસંદ નહોતા કરતા કારણ કે તેમના ડાબેરીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા. એ બાદ 1997 માં કોલકાતામાં આયોજિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ સત્ર દરમિયાન કોંગ્રેસમાં બળવો સ્પષ્ટ થઈ ગયો. જેમાં મમતા બેનર્જીએ વિરોધ કર્યો. આ વિરોધે જ બંગાળને નવા નેતા અને નવી પાર્ટી આપી.