જામનગર રિવરફ્રન્ટના પ્રથમ ફેઝની કામગીરીનું પ્રાંરભ, ધારાસભ્ય અને કોર્પોરેટરોએ સ્થળ મુલાકાત કરી

જામનગર: જામનગર રિવરફ્રન્ટના પ્રથમ ફેઝની કામગીરીનું પ્રારંભ કરવામાં આવ્યું છે. ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટરોએ સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી. અધિકારીઓને ચોમાસા પહેલા નદીને પહોળી અને ઊંડી કરવાની કાર્યવાહી પૂર્ણ કરવા સૂચન પણ કર્યું હતું. નદીના પટ્ટ પર દબાણો હોય તેને વહેલી તકે દૂર કરવાની કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું.
જામનગર શહેરમાં ચોમાસામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો શરૂ થયા છે. ચોમાસા પહેલા શહેરની રંગમતિ નદીને તેના મૂળ સ્વરૂપે લાવી પહોળી કરવાનો પ્લાન તૈયાર કરાયો છે તેમજ તેનો અમલ શરુ કર્યો છે. સુજલામ-સુફલામ યોજના હેઠળ જુદી જુદી કંપનીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કામગીરી થશે. આ કામગીરી ચોમાસા પહેલા કરાશે જેથી ચોમાસા દરમિયાન નદીમાં પૂરનું વધારે પાણી સરળતાથી વહન થઈ શકે.
શહેરના કેટલાક વિસ્તારોમાં ચોમાસામાં જ્યાં પાણી ભરાય છે તે સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે. કુલ અંદાજે 500 કરોડનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે જેનું પ્રથમ ફેઝનું 125 કરોડનું કામ થનાર છે. હાલ 5 હિટાચી મશીન, 2 જેસીબી, 5 ડમ્પર સહીત મશીનરીથી કામ શરુ થયું છે. ચોમાસા સુઘી અંદાજે 45 દિવસ કામગીરી ચાલશે.