વિશ્વ ચકલી દિવસ: વાસ્તુશાસ્ત્રની રીતે કેમ મહત્વની છે ચકલી?
વાસ્તુ શાસ્ત્ર: વાસ્તુ શાસ્ત્ર એક વિજ્ઞાન છે જેનો પ્રાચીન ભારતીય સંસ્કૃતિ દ્વારા હજારો વર્ષથી વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે એક મહત્વપૂર્ણ વૈદિક વિજ્ઞાન છે. વાસ્તુ શાસ્ત્ર નો મૂળ માનવતા અને જીવન સાર્થકતાનાં કલ્યાણની ભાવનાથી પ્રેરિત છે. મૂળ શબ્દ વાસનો અર્થ “રહેવું, જીવવું રોકાવું, રહેવું” છે. વાસ્તુ શાસ્ત્ર દિશાઓ,વૈશ્વિક ઊર્જનું વિજ્ઞાન છે અને સમજાવે છે વૈશ્વિક ઊર્જા કેવી રીતે માનવ જીવન પર અસર કરે છે. વાસ્તુ શાસ્ત્ર માણસને કેવી રીતે પર્યાવરણ સાથે સંવાદિતાથી રહેવું શીખવે છે. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસે જાણીશું કે નાનકડી ચકલીઓ પણ વાસ્તુ સાથે સંકળાયેલી છે.
ક્યારેક છત પર તો ક્યારેક ઘર આંગણે નાની નાની ચકલીઓની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઇ રહ્યો છે. એવામાં ચકલીઓના સંરક્ષણ માટે વિશ્વ સ્તરે ‘વિશ્વ ચકલી દિવસ’ મનાવવામાં આવે છે. જેથી લોકોમાં આ નાનકડી ચકલીઓ પ્રત્યે જાગૃત કરી શકાય. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે ચકલી ઘરના વાસ્તુ સાથે પણ સંબંધ ધરાવે છે. જાણો, કેવી રીતે ચકલીઓ ઘરનું વાસ્તુ સુધારી દે છે…
ચકલીઓનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ તો આપણે બધા જાણીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે રાજા દશરથના ઘરમાં ચકલીઓના માળાનું વર્ણન મળી આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં ઉત્તર દિશા અને ઇશાન કોણમાં ચકલી પોતાનો માળો બનાવે તો આ અત્યંત શુભ હોય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે અને પારિવારિક મુશ્કેલીઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે.
પક્ષીવિજ્ઞાનના જનક ગૌતમ ઋષિ અનુસાર જો કોઇ જગ્યા પર ચકલીનો માળો હોય તો આ અત્યંત શુભસંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી 10 પ્રકારના વાસ્તુદોષ દૂર થઇ જાય છે. માન્યતા છે કે મહાભારત કાળમાં મહારાણી કુંતીના મહેલમાં પણ ચકલીનો માળો હતો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ચકલીનું ઘરમાં આવવું ખૂબ જ શુભ હોય છે. તેના આવવાથી જીવનમાં મધુરતા આવે છે. કાર્યમાં આવતી અડચણો દૂર થવા લાગે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે. ચકલીઓનું સવાર-સવારમાં દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે જે વ્યક્તિ ચકલી જોઇ જાય છે તેનો આખો દિવસ શુભ થઇ જાય છે. તેને દરેક કાર્યમાં સફળતા મળે છે.