September 19, 2024

યુપીમાં યોગી સરકારનો મોટો નિર્ણય, સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરને આપશે પૈસા; કરવું પડશે આ કામ

Yogi Adityanath: લોકસભા ચૂંટણીના પરિણામોની આડઅસર દેખાવા લાગી છે. યુપીમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ વખતે પાર્ટીને 29 બેઠકોનું નુકસાન થયું છે. હારનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર વિપક્ષનું વર્ચસ્વ માનવામાં આવે છે. ત્યારપછી યુપીની યોગી સરકારે પણ હોમવર્ક કરવાનું શરૂ કરી દીધું છે. સરકારના કામને અસરકારક રીતે પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા પોલિસી તૈયાર કરવામાં આવી છે. જેમાં સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરને દર મહિને 8 થી 2 લાખ રૂપિયા મળી શકે છે.

યુપી કેબિનેટે આજે સોશિયલ મીડિયા પોલિસી પસાર કરી છે. કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પરંતુ સરકારે તેને પાસ કરી દીધો છે. X, YouTube, Facebook અને Instagram ના ઈનફ્લુએન્સરને ફોલોઅર્સની સંખ્યા અનુસાર દર મહિને પૈસા મળશે. શરત માત્ર એટલી છે કે તેઓએ યુપી સરકારનો પ્રચાર કરવો પડશે. તેઓએ માહિતી વિભાગમાં પણ નોંધણી કરાવવી પડશે. જો ક્યારેય યુપી સરકારને લાગે છે કે સામગ્રી 0અશ્લીલ અને રાષ્ટ્ર વિરોધી છે, તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

સરકારે વિવિધ સોશિયલ મીડિયા માટે શ્રેણીઓ બનાવી છે
X, Facebook અને Instagram ના ઈનફ્લુએન્સર માટે સમાન શ્રેણી બનાવવામાં આવી છે. ચાર અલગ-અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ફોલોઅર્સ અનુસાર, તેમને દર મહિને 5, 4, 3 અને 2 લાખ રૂપિયા મળશે. યુટ્યુબર્સ માટે અલગ-અલગ રીતે ચાર કેટેગરી બનાવવામાં આવી છે. તેમને દર મહિને 8, 7,6 અને 4 લાખ રૂપિયા આપવાની યોજના છે. યુપી પહેલા રાજસ્થાનમાં પણ આવી પોલિસી લાવવામાં આવી હતી. ત્યારે અશોક ગેહલોત ત્યાં મુખ્યમંત્રી હતા. જોકે હવે સરકાર બદલાઈ છે અને ભાજપના ભજનલાલ મુખ્યમંત્રી છે.

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સને પરત લાવનાર સ્પેસએક્સને ઝટકો! પહેલું પ્રાઈવેટ સ્પેસવોક મિશન ટળ્યું

ચૂંટણી બાદ સોશિયલ મીડિયા પર ફોકસ વધી ગયું છે
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ સોશિયલ મીડિયાના પ્રભાવને લઈને ગંભીર બની ગઈ છે. ચૂંટણી બાદ યોજાયેલી બેઠકોમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ગ્રાઉન્ડ તેમજ સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા માટે કહેવામાં આવ્યું છે. પાર્ટી હાઈકમાન્ડે નિર્દેશ આપ્યો છે કે નેતાઓએ સોશિયલ મીડિયા પર સરકારી યોજનાઓનો સક્રિયપણે પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ.