April 22, 2024

ગૂજરાત વિદ્યાપીઠના ‘ફર્સ્ટ ટાઇમ વોટર’ યુવાનોએ અચૂક મતદાનના શપથ લીધા

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 'મતદાન જાગૃતિ' અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

Lok Sabha Election2024: યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ અભિયાન અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદાન જાગૃતિ’ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં યુવાનોમાં મતદાન પર્વના મહત્ત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ફર્સ્ટ ટાઇમ વોટર બનનારા સૌ યુવાનોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લીધા હતા.

આ પ્રસંગે NSSના નિર્દેશક ડૉ. કમલકુમાર કર, સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડૉ. કનૈયાલાલ નાયક, NSSના કો-ઓર્ડીનેટર ડો.અરુણભાઈ ગાંધી, સ્વીપ નોડલ ઓફિસર યોગેશભાઈ પારેખ સહિત મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: કોંગ્રેસને વધુ એક ફટકો, બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા

આગામી દિવસોમાં વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે, એવું સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે દિશામાં અમદાવાદ ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે.