November 24, 2024

ઝુકરબર્ગ રિલાયન્સ કેમ્પસમાં ખોલશે Metaનું ડેટા સેન્ટર!

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી જામનગર દુનિયામાં ચર્ચામાં હતું. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના લગ્ન પહેલાં પ્રી-વેડિંગ ઈવેન્ટમાં સામેલ થવા માટે દેશ-દુનિયાના દિગ્ગજ હસ્તીઓ જોડાઈ હતી. જેમાં બિલ ગેટ્સથી લઈને માર્ક ઝુકરબર્ગ સુધીના લોકો આ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, ઝુકરબર્ગના નેતૃત્વવાળી ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ભારતમાં પોતાનું પહેલું ડેટા સેન્ટર ચેન્નઈના રિલાયન્સ કેમ્પસમાં ખોલી શકે છે.

10 એકરમાં ફેલાયેલું છે રિલાયન્સ કેમ્પસ
એક અહેવાલ મુજબ, Facebook, Instagram અને WhatsAppની પેરેન્ટ કંપની માર્ક ઝુકરબર્ગની મેટા ચેન્નાઈ અને તમિલનાડુમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેમ્પસમાં ભારતમાં તેનું પ્રથમ ડેટા સેન્ટર બનાવી શકે છે. આ નિર્ણય બંને કંપનીઓ વચ્ચે ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. આ પગલું મેટા માટે ભારતીય બજારના મહત્વનું દર્શાવે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ચેન્નાઈમાં ડેટા સેન્ટર સ્થાપવાનો નિર્ણય તાજેતરના એક કાર્યક્રમમાં યોજાયેલી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. રિલાયન્સનું ચેન્નાઈ કેમ્પસ બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિજિટલ રિયલ્ટીનું સંયુક્ત કેમ્પસ છે. જે 10 એકરમાં ફેલાયેલું છે અને 100-MW IT લોડ ક્ષમતાને ટેકો આપવા માટે રચાયેલ છે.

આ પણ વાંચો: RBIના 90 વર્ષ પૂર્ણ, PM મોદીએ કહ્યું – રિઝર્વ બેન્કે વિશ્વસનીયતા સાબિત કરી

માર્ક ઝુકરબર્ગ જામનગર પહોંચ્યા હતા
ઉલ્લેખનીય છે કે જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હાજરી આપવા માટે માર્ક ઝુકરબર્ગ તેમની પત્ની સાથે આવ્યા હતા. અહીં ઝુકરબર્ગ સંપૂર્ણપણે ભારતીય રંગના પોશાક પહેરેલા જોવા મળ્યા હતા અને તેમણે તેમના રોકાણ દરમિયાન અંબાણીના વનતારાની મુલાકાત પણ લીધી હતી.

મેટા ડેટા સેન્ટર પર આટલું રોકાણ કરી શકે છે!
જોકે મેટાના રોકાણ અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી, માર્ચની શરૂઆતમાં એક અહેવાલ અનુસાર, કંપની એક નાનું ડેટા સેન્ટર સ્થાપવાનું મૂલ્યાંકન કરી રહી છે, જે 10-20 મેગાવોટનું હોઈ શકે છે. એવો અંદાજ હતો કે મેટા ભારતમાં આ ક્ષમતાનું તેનું પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવા માટે રૂ. 500 થી રૂ. 1,200 કરોડનું રોકાણ કરી શકે છે.

ભારતમાં મેટાનો યુઝર બેઝ તેના યુએસ યુઝર બેઝ કરતા નોંધપાત્ર રીતે મોટો છે અને કંપનીએ તેના છેલ્લા ત્રિમાસિક કમાણી કોલ દરમિયાન ભારતમાંથી જાહેરાતની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. નોંધનીય છે કે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ વિશ્વના ટોચના 10 અબજપતિઓની યાદીમાં સામેલ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેઓ $175 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ છે.