November 23, 2024

અમેરિકામાં પૂજારીની નોકરીની લાલચ આપી સિદ્ધપુરના યુવકો સાથે 15 લાખની ઠગાઇ

પાટણ: સિધ્ધપુરના પાંચ બ્રાહ્મણ યુવકોએ અમેરિકામાં ટ્રસ્ટના મંદિરમાં પૂજારી તરીકે નોકરી મેળવી માસિક 5000 ડોલર કમાવાની લાલચમાં કુલ 15 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. જેથી ભોગ બનનાર યુવકે સિધ્ધપુર પોલીસ મથકમાં અમદાવાદના શૈલેષ ગિરીશચંદ્ર ત્રિવેદી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે.

સિધ્ધપુર પોલીસ મથકમાં હરસિધ્ધિ માતાજીના મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા નિખિલભાઇ હરેશચંદ્ર ઠાકર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના મંદિરમાં દર પૂનમે અમદાવાદના શૈલેષભાઈ ગિરીશચંદ્ર ત્રિવેદી દર્શન કરવા આવતા હતા. જેથી તેમનો પરિચય થયો હતો. બાદમાં શૈલેષ ત્રિવેદીએ અમેરિકાના શિકાગો અને એટલાન્ટામાં મંદિરમાં પૂજારી તરીકે નોકરી કરવી હોય તો સિદ્ધપુરના છ થી આઠ યુવકોની જરૂરિયાત હોવાની વાત કરી હતી.

પૂજારી તરીકે નોકરીના બદલામાં 5,000 ડોલર માસિક પગાર અને તેની સાથે સાથે રહેવા જમવાની સુવિધા તેમજ આરોગ્ય સેવાઓ અને વિમાની પણ સુવિધા મળવાની લાલચ આપતા હરસિધ્ધિ માતાજીના મંદિરના પૂજારી નિખિલભાઇ ઠાકર અને તેમના અન્ય ચાર મિત્રો મળી કુલ પાંચ યુવકો આ લાલચમાં આવી ગયા હતા. તેઓએ પ્રતિ વ્યક્તિ 3 લાખ રૂપિયા શૈલેષભાઈ ગિરિશચંદ્ર ત્રિવેદીને આપ્યા હતા. પરંતુ ઘણો સમય વિતવા છતાં અમેરિકાના વિઝા કે સ્પોન્સર લેટર ના આવતા આખરે યુવકોને તેઓ પોતે છેતરાયા હોવાની જાણ થતા સિધ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેથી પોલીસે શૈલેષભાઈ ગીરીચંદ્ર નાથાલાલ ત્રિવેદી રહે 698 કોઠારી પોળ ગાંધી રોડ અમદાવાદ વાળા વિરુદ્ધ છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો
સિધ્ધપુર પીઆઇ જે.બી આચાર્ય જણાવ્યું હતું કે, આરોપી શૈલેષચંદ્ર નાથાલાલ ત્રિવેદી વિરુદ્ધ સિધ્ધપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ગણતરીના કલાકમાં તેની ધરપકડ કરી લઈને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.