June 30, 2024

રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં 1555.88 કરોડનું સાયબર ફોર્ડ થયું

મલ્હાર વોરા, ગાંધીનગર: દેશ સહિત વિશ્વમાં હાલ સાયબર ક્રાઇમના ગુના બની રહ્યા છે, ત્યારે રાજ્યમાં સાયબર ફ્રોડના શિકારની ફરિયાદ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના CID ક્રાઈમ દ્વારા આ ફ્રોડના શિકાર બનતા લોકોએ કેવી રીતે અટકવું તેને લઈને જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જો કોઈ આ પ્રકારના ફ્રોડનો શિકાર બને તો તુરંત સાયબર ક્રાઈમના હેલ્પલાઇન નંબર 1930 નંબર પર કોલ કરવો, ભોગબનનાર વહેલી ફરિયાદ કરશે એટલું સાયબર વિભાગ ઝડપી કામ કરશે.

વિશ્વ સહિત દેશમાં સાયબર ફ્રોડના કિસ્સાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત પોલીસે આ મામલે ચિંતા વ્યક્ત કરીને સમગ્ર રાજ્યમાં જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આજે સીઆઇડી ક્રાઈમના ADGP રાજકુમાર પાડીયને પત્રકાર પરિષદ કરીને છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં કુલ 11 લાખ 69 હજાર 508 જેટલા સાયબર ફ્રોડ થયા છે જેની સામે કુલ 2 લાખ 80 હજાર 272 લોકોએ ફરિયાદ પોલીસ સમક્ષ કરી છે.

સીઆઇડી ક્રાઈમના ADGPએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં કુલ 1555.88 કરોડ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું છે. જેમાંથી ગુજરાત પોલીસે 346.07 કરોડ રૂપિયાની રકમ ફ્રિઝ કરી છે. જેમાંથી ફ્રિઝ કરેલી રકમમાંથી અમુક રકમ ફરિયાદ કરનારા અરજદારોને પરત કરી છે.

સીઆઇડી ક્રાઈમના એડિજીપીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં વર્ષે 2023માં સૌથી વધુ સાયબર ફોર્ડ જોવા મળ્યું છે. જેથી રાજ્યની જનતાને અપીલ કરતા જણાવ્યું કે, કોઇપણ ફોન કોલ્સ પર ઓનલાઈન OTP કે આધારકાર્ડ નંબર ,પાનકાર્ડ નંબર કે બેન્કની વિગતો ફોન પર કોઈ માંગે તો આપવી નહીં. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કે પછી બેન્કના કોઈ કર્મચારી ઓનલાઈન OTP કે પછી અરજદારની વિગતો ફોન પર માગી શકે નહીં. જેથી આ પ્રકારના ફોન કોલ્સ આવશે તો કોઈ વિગતો આપવી નહીં. આ સિવાય હાલ સૌથી વધુ ફોર્ડ કોલ્સ ન્યૂડ કોલ્સ, શેર બજારમાં વિવિધ સ્કીમમાં લોભામણી લાલચ સહિત નકલી વેબસાઇટ બનાવીને રોકાણ કરવાની ડીમાન્ડો ફોન પર કરીને લૂંટ ચાલવામાં આવે છે. આ ઉપરાંત ઓનલાઇન શોપિંગની આડમાં પણ સૌથી વધુ ફ્રોડ કરવાની પદ્ધતિ વધી છે..જેથી તમામ લોકોએ આવા ફ્રોડથી સાચવાની જરૂર છે.