October 28, 2024

જામનગરમાં 11 કરોડના સાયબર ફ્રોડની સામે પીડિતોને અપાયું 2 કરોડનું રિફંડ

સંજય વાઘેલા, જામનગર: જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં જામનગર જીલ્લાની સાયબર ક્રાઈમ અંગે કામગીરી જેવી કે, લોકોના સાયબર ક્રાઈમમાં બ્લોક કરાવેલ નાણા, સાયબર અવેરનેસ, નાણા પરત (રીફંડ) જેવી પ્રજાલક્ષી કરવામા આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગ્રુતતા આવે તે અંગે વિગતો આપવામાં આવી હતી.

જામનગર સાઇબર પોલીસ સ્ટેશનને જાન્યુઆરી થી જૂન 2024 સુધીના સમયગાળા દરમિયાન રૂ. 11 કરોડ 9 લાખ 31 હજાર 460 જામનગર જિલ્લાની જનતાએ ગુમાવી હોવાની ફરિયાદ મળી હતી. જે તમામ ફરિયાદના અનુસંધાને સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે 4 કરોડ 69 હજારથી વધુની રકમ ફ્રીઝ કરાવી દેવામાં આવી છે. જેમાં સ્થાનિક અરજીઓ તથા એફ.આઈ.આર પરથી 4 લાખ 23 હજારની રોકડ રકમ પરત પણ અપાવી દીધી છે. તથા નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અરજીઓ પરથી 1 કરોડ 93 લાખ 54 હજારની રકમ પરત અપાવવાની કામગીરી ચાલુ છે. 31/07/24 ના રોજ 02 ગુના દાખલ થયેલ છે જેમા કુલ રૂ.75,36,000/- રૂપીયાનુ ફ્રોડ થયેલ હોય જેમાથી રૂ.31,00,000/-હોલ્ડ થયેલ છે જે પરત અપાવવાની કામગીરી હાલ પો.સ્ટે ખાતેથી કરવામા આવેલ છે. તેમ જિલ્લા પોલીસ વડા દ્વારા વિગતો આપવામાં આવી હતી. તેમજ સાયબર સેલની સમગ્ર ટીમને જિલ્લા પોલીસવડાએ અભિનંદન પાઠવ્યા હતા.

જામનગર જિલ્લાના નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અને જનજાગૃતિ માટે ચાલુ વર્ષે ૧૯ જેટલા સેમીનાર યોજવામાં આવ્યા હતા. સાથો સાથ આ બાબતે લોકોને સાયબર ફ્રોડ અંગેની વિશેષ જાણકારી અને માહિતી મળે તે પ્રમાણેની તાલીમ પણ આપવામાં આવી રહી છે.

જો આપની સાથે પણ સાઇબર ક્રાઇમ થાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 નંબર ઉપર ફોન કરવો તેમ જ નેશનલ ટાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર www.cybercrime.gov.in ઉપર પણ જાણ કરી શકાય છે આ હેલ્પલાઇન 24×7 દરમ્યાન કાર્યરત રહે છે. આ હેલ્પલાઇન મારફતે કોઇપણ નાગરીક કોઇપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઇન ફરીયાદ આપી શકે છે. આ ઓનલાઇન ફરીયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, જામનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. સાયબર ફ્રોડના કિસ્સામાં સર્વે નાગરિકોને તુરંત જ 1930 નંબર પર સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા જણાવવામાં આવ્યું હતું.