November 22, 2024

મુંબઈમાં 3 માળની ઈમારત ધરાશાયી, 2 લોકોને બચાવાયા; એકની શોધખોળ ચાલુ

મુંબઈ: મહારાષ્ટ્રમાં નવી મુંબઈના બેલાપુર વિસ્તારમાં શનિવારે સવારે એક 3 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ઈમારત ધરાશાયી થતા કાટમાળ નીચે કુલ ત્રણ લોકો ફસાયા હતા. ફસાયેલા ત્રણમાંથી બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના એક અધિકારીએ આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત શાહબાઝ ગામમાં સવારે લગભગ પાંચ વાગ્યે થયો હતો.

તેમણે કહ્યું કે એનડીઆરએફ અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર કર્મીઓએ ઈમારત ધરાશાયી થયા બાદ તેના કાટમાળ નીચે ફસાયેલા બે લોકોને બચાવ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવવાના પ્રયાસો ચાલુ છે.

દુર્ઘટના વિશે માહિતી આપતા નવી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું હતું કે, “આ ઈમારત આજે સવારે 5 વાગ્યા પહેલા ધરાશાયી થઈ ગઈ હતી. આ સેક્ટર-19, શાહબાઝ ગામમાં એક G+3 બિલ્ડીંગ છે. આ 3 માળની ઈમારત હતી. 52 લોકો આવ્યા હતા. સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને કાટમાળ નીચે ફસાયેલા 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને વધુ 2 લોકો ફસાયા હોવાની આશંકા છે.

આ પણ વાંચો: કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર 3 જવાન ઘાયલ

કૈલાશ શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે, એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. જે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ હોસ્પિટલમાં છે અને તેમની હાલત સ્થિર છે. આ ઈમારત 10 વર્ષ જૂની છે. તપાસ ચાલી રહી છે અને જે કોઈ ઈમારતનો માલિક હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.