October 6, 2024

સુરત એરપોર્ટથી 64 લાખથી વધુના સોનાની દાણચોરી કરતાં 4 શખ્સોની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: ભારત સરકારની કસ્ટમ એક્સાઇઝ ડ્યુટી ભરવી ન પડે એટલા માટે કેટલાક ઈસમો વિદેશથી અલગ અલગ ચાલકીઓ અપનાવીને ગોલ્ડની હેરાફેરી કરતા હોય છે. કેટલાક કિસ્સામાં આરોપી પોતાના શરીર પર અલગ અલગ જગ્યા પર આ ગોલ્ડ સંતાડીને ઈમિગ્રેશન સિક્યુરિટીમાંથી પસાર થઈને ગેરકાયદેસર રીતે સોનાની દાણ ચોરી કરતા હોય છે. ત્યારે આવા ઈસમો સામે કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી. તેને જ લઈને SOG દ્વારા સ્મગલિંગના ગોલ્ડ સાથે મહિલા સહિત ચાર ઈસમોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 64,89,000નું ગોલ્ડ પણ જપ્ત કર્યું છે.

સુરત શહેર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કેટલાક ઈસમો સરકારની એક્સાઈટ ડ્યુટી ભરવી ન પડે એટલા માટે અલગ અલગ રીતે લગેજમાં અથવા તો પોતાના શરીરના અલગ અલગ ભાગો પર સોનુ સંતાડીને લાવતા હોય છે અને ઈમીગ્રેશન સિક્યુરિટીમાંથી પસાર થઈને ગેરકાયદેસર રીતે સોનાની દાણચોરી કરતા હોય છે. ત્યારે દુબઈથી આવેલું એક કપલ આ પ્રકારે સોનું લાવ્યું હોવાની માહિતી SOGને મળી હતી અને બાતમીના આધારે SOGએ વોચ ગોઠવીને દંપતી જ્યારે સોનાની ડીલેવરી કરવા ગયું હતું ત્યારે દંપતિ સહિત કુલ ચાર ઈસમોને ઝડપી પાડ્યા.

પોલીસે નઇમ સાલેહ, ઉમૈયા નઇમ સાલેહ, અબ્દુલ ફારુક અને ફિરોઝ ઈબ્રાઇમ નૂરની ધરપકડ કરી છે. પોલીસને જાણવા મળ્યું હતું કે નહીમ અને તેની પત્ની કપલ થી આ સોનું બેગમાં છુપાવીને લાવ્યા હતા અને તે સોનાની ડીલેવરી આપવા માટે જહાંગીરપુરા વિસ્તારના સાયણ હજીરા રોડ ખાતે આવેલ શિવમ હોટલમાં જવાના છે. બાતમીના આધારે આ હોટલ પર રાત્રીના સમયે SOGએ વોચ રાખી હતી અને નઇમ અને તેની પત્ની અબ્દુલ અને ફિરોઝને મોડી રાત્રે સોનુ આપવા આવ્યા હતા અને તેમને આ મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

આરોપીઓ પાસે જે ટ્રોલી બેગ હતી તે ટ્રોલી બેગની સાઈડમાં રેકઝીનની નીચે સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરીને સોનુ છુપાવીને સુરત લાવવામાં આવ્યું હતું. આ સોનાનું વજન 927 ગ્રામ છે અને તેની કિંમત 64,89,000 રૂપિયા થવા પામે છે. આરોપીની એમઓની વાત કરવામાં આવે તો કેટલાક ઈસમો ઈમિગ્રેશન સિક્યુરિટીમાં ન પકડાય તે માટે અવનવા કીમિયા અપનાવતા હતા. અગાઉ સોનાને પાવડર સ્વરૂપમાં બનાવી તેમાં કેમિકલ મિક્સ કરી લુગદી સ્વરૂપમાં નાના પાઉચમાં ભરી શરીરના અંદર વીયર તેમજ બુટના તળિયામાં મૂકી દાળ ચોરી કરતા ઇસમોને SOGએ પકડ્યા હતા. 2023માં SOG દ્વારા આવી રીતે દાણચોરી કરતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 7 કિલો કરતાં વધારે સોનું ઝડપી પાડ્યું હતું.

જોકે આ તકનીક પોલીસ સામે ઉજાગર થતા. હવે આ ઈસમો એ નવો કિમિયો અપનાવ્યો હતો. જેમાં તેમને સોનાની પેસ્ટ બનાવી તેમાં કેમિકલ મિક્સ કરી દીધું હતું અને કેમિકલ યુક્ત સોનું લિક્વિડ ફોર્મમાં લાવી ટ્રોલી બેગની બહાર સાઈડ રેકઝીન તેમજ રબરની સીટ વચ્ચે સ્પ્રે કરી દીધું હતું અને એક લેયર બનાવી દીધું હતું જેથી કરીને આધુનિક ઉપકરણ મેટલ ડિટેક્ટરમાં પણ તે ડિટેક્ટ થઈ શકતું ન હતું પરંતુ હ્યુમન સોર્સીસની મદદથી અને ટેકનિકલ સર્વલેસના આધારે સોનાની દાણ ચોરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે.