November 25, 2024

1968માં હિમાચલમાં થયું હતું પ્લેન ક્રેશ, 56 વર્ષ બાદ મળ્યાં 4 મૃતદેહ

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના રોહતાગ પાસમાં 56 વર્ષ પહેલા ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થયું હતું. દુર્ઘટનાના 56 વર્ષ બાદ આ વિમાનમાં સવાર વધુ ચાર મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે આ અવશેષો ભારતીય સેનાના ‘ડોગરા સ્કાઉટ્સ’ અને ‘તિરંગા માઉન્ટેન રેસ્ક્યૂ’ના જવાનોની સંયુક્ત ટીમ દ્વારા મળી આવ્યા હતા. ત્રણ મૃતદેહોના અવશેષો મલખાન સિંહ, કોન્સ્ટેબલ નારાયણ સિંહ અને કારીગર થોમસ ચરણના છે.

વર્ષ 1968માં ગુમ થયા હતા
7 ફેબ્રુઆરી, 1968ના રોજ ચંદીગઢથી લેહ માટે ઉડાન ભર્યા બાદ ટ્વીન એન્જિન ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ગુમ થયું હતું. તેમાં 102 લોકો હતા. “એક અસાધારણ વિકાસમાં, 1968 માં રોહતાંગ પાસ પર ક્રેશ થયેલા AN-12 વિમાનમાંથી કર્મચારીઓના અવશેષોને પુનઃપ્રાપ્ત કરવા માટે ચાલી રહેલા શોધ અને બચાવ અભિયાનમાં નોંધપાત્ર સફળતા મળી છે,” . દાયકાઓ સુધી વિમાનનો કાટમાળ અને મૃતદેહના અવશેષો બર્ફીલા વિસ્તારોમાં દટાયેલા હતા.

ડોગરા સ્કાઉટ્સે ઘણી વખત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
2003માં, અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગના ક્લાઇમ્બર્સે પ્લેનનો કાટમાળ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ વર્ષોથી આર્મી અને ખાસ કરીને ડોગરા સ્કાઉટ્સે ઘણી વખત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડોગરા સ્કાઉટ્સ 2005, 2006, 2013 અને 2019માં સર્ચ ઓપરેશનમાં મોખરે હતા.

આ પણ વાંચો: દિલ્હીમાં BJP નેતાની ગાડી પર ફાયરિંગ, ગેંગસ્ટર ગોગી માનના નામથી ફેંકી ‘લાસ્ટ વોર્નિગ’ની ચિઠ્ઠી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સ્થળની દૂરસ્થતા અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે, 2019 સુધીમાં, ફક્ત પાંચ મૃતદેહોના અવશેષો જ મળી શક્યા. ‘ચંદ્ર ભાગા પર્વત અભિયાન’માં હવે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા છે, જેના કારણે મૃતકોના પરિવારજનો અને દેશને નવી આશા મળી છે.

અધિકારીઓએ જણાવ્યું કે ચારમાંથી ત્રણ શબના અવશેષો મલખાન સિંહ, કોન્સ્ટેબલ નારાયણ સિંહ અને કારીગર થોમસ ચરણના હતા. બાકીના અવશેષોમાંથી મળી આવેલા દસ્તાવેજો પરથી વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના નજીકના સંબંધીઓની વિગતો મેળવી લેવામાં આવી છે.