October 18, 2024

આ રાજ્યમાં એક સાથે 600 સરકારી શાળાઓ થઇ બંધ, સરકારે કેમ લીધો આવો નિર્ણય?

Arunachal Pradesh: અરુણાચલ પ્રદેશના શિક્ષણ પ્રધાન પાસંગ દોરજી સોનાએ બુધવારે જણાવ્યું હતું કે સરકારે રાજ્યની લગભગ 600 શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આવી શાળાઓ કાં તો કાર્યકત ન હતી અથવા તો છેલ્લા ઘણા દિવસોથી તેમાં કોઇ પ્રવેશ લેવામાં આવ્યો ન હતો. વિધાનસભામાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય કુમાર વાયના પ્રશ્નના જવાબમાં દોરજી સોનાએ જણાવ્યું હતું કે સરકાર શૂન્ય અથવા ઓછી નોંધણી સાથે આવી વધુ શાળાઓને બંધ કરવાની યોજના બનાવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આવી 600 જેટલી શાળાઓ પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે અથવા અન્ય શાળાઓમાં મર્જ કરવામાં આવી છે.

નોંધનીય છે કે અરુણાચલ પ્રદેશમાં 2,800 થી વધુ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સરકારી શાળાઓ છે. આ શાળાઓમાં 7,600 થી વધુ નિયમિત શિક્ષકો છે. શિક્ષણ પ્રધાન સોનાએ એમ પણ કહ્યું કે રાજ્યમાં શિક્ષકોની નિમણૂક મુખ્યમંત્રી શિક્ષણ નિધિ (MMSK) હેઠળ અસ્થાયી વ્યવસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે આનાથી શિક્ષકોની અછતને પહોંચી વળવામાં મદદ મળશે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે સરકારે અરુણાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનને શિક્ષકોની ભરતી માટે પરીક્ષાઓ યોજવા વિનંતી કરી છે.

જો કે, 2023 ના અહેવાલ મુજબ, અરુણાચલ પ્રદેશમાં દેશમાં સૌથી વધુ નોંધણી ટકાવારી નોંધાઈ હતી. શિક્ષણની વાર્ષિક સ્થિતિના આ અહેવાલમાં જણાવાયું હતું કે છેલ્લા પંદર વર્ષમાં રાજ્યમાં 6 થી 14 વર્ષની વયના બાળકોમાં રેકોર્ડ 95 ટકા નોંધણી નોંધાઈ છે. એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોરોના મહામારી દરમિયાન પણ આ ઉંમરના લગભગ 98.4 ટકા બાળકોએ 2022માં શાળામાં પ્રવેશ લીધો હતો.