November 28, 2024

હિટવેવથી રાજકોટવાસીઓ ત્રાહિમામ, 48 કલાકમાં 72ની તબિયત લથડી

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે આ વચચે રાજકોટ મનપા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે. છેલ્લા 48 કલાકમાં હિટવેવના કારણે 72 લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. જેને લઇને આરોગ્ય તંત્ર દ્વારા ધોમધખતા તાપમાં લોકોને બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. એક તરફ રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ હિટવેવની અસર જોવા મળી રહી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટમાં હીટવેવના કારણે 72 લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. જેને લઇને રાજકોટ મનપા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પાંચ શહેરમાં પારો 43 ડિગ્રીને પાર છે. તો અમરેલીમાં 44 ડિગ્રી, રાજકોટમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે વડોદરામાં 43.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી તાપમાન છે તો મહુવામાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં 42.2 ડિગ્રી, સુરતમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છમાં 41.6 ડિગ્રી તાપમાન અને પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અમદાવાદે ગુરુવારે પણ રાજ્યમાં ગરમીનું યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આકરી ગરમી પડશે. જેમાં પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં આકરી ગરમીની સાથે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બાળકો, વૃદ્ધો અને ગંભીર રોગોથી પીડિત લોકોને સૂર્યના સીધા સંપર્કમાં ન આવવાની સલાહ આપવામાં આવી છે. તેમને બપોરે કોઈ પણ કારણ વગર ઘરની બહાર ન નીકળવાની અને સમયાંતરે ORS, છાશ, લસ્સી, લીંબુ પાણી અને પાણી પીવાનું ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે. સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવાની પણ સલાહ આપવામાં આવે છે. ગુરુવારે પણ ગરમીનું મોજુ કચ્છના લોકોને પરેશાન કરી શકે છે. કચ્છમાં પણ હીટવેવની શક્યતા છે.