November 25, 2024

Unclaimed Cash: બેંકોમાં જમા 78,213 કરોડ રૂપિયાનું નથી કોઈ દાવેદાર, જાણો કેમ?

ગયા વર્ષે માર્ચના અંતે આ રકમ 62,225 કરોડ રૂપિયા હતી.

Unclaimed Cash: બેંકોમાં દાવા વગરની થાપણો એક વર્ષમાં 26 ટકા વધીને 31 માર્ચના અંતે રૂ. 78,213 કરોડ થઈ છે. જે ગયા વર્ષની સરખામણીએ રૂ. 15,988 કરોડ વધુ છે. ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષે માર્ચના અંતે આ રકમ 62,225 કરોડ રૂપિયા હતી.

તમને જણાવી દઇએ કે, જ્યારે 10 કે તેથી વધુ વર્ષો સુધી ખાતામાં જમા રકમ પર કોઈ વ્યવહાર કરવામાં આવતો નથી, ત્યારે સહકારી સહિત તમામ બેંકો ખાતાને નિષ્ક્રિય માને છે. બેંકો આ ખાતાઓમાં પડેલી રકમને એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં ટ્રાન્સફર કરે છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા શેરબજારમાં વસંત પાછી ફરી

આરબીઆઈએ નિષ્ક્રિય ખાતાઓ અંગેની સૂચનાઓને તર્કસંગત બનાવવા માટે આ વર્ષની શરૂઆતમાં બેંકોને વ્યાપક માર્ગદર્શિકા જારી કરી હતી. સુધારેલી સૂચનાઓ 1 એપ્રિલ, 2024 થી તમામ કોમર્શિયલ બેંકો અને સહકારી બેંકોમાં અમલમાં આવી છે. જો તમારી પાસે જૂનું બેંક ખાતું છે જેનો તમે ઉપયોગ નથી કરતા તો તેમાં જમા રકમ પર નજર રાખવી જરૂરી છે. આમ કરવાથી તમારા ફંડને DEA ફંડ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. આથી તમારા તમામ બેંક ખાતાઓ નિયમિતપણે તપાસતા રહેવું જોઇએ. જો તમે કોઇ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા નથી તો તે એકાઉન્ટ બંધ કરાવી દેવું જોઇએ.

બેંકોના જટિલ નિયમો પણ એક મોટું કારણ છે
દાવા વગરની થાપણોમાં વધારો થવાનું એક કારણ એ છે કે ઘણા ખાતા એવા લોકોના છે જેઓ મૃત્યુ પામ્યા છે. આવા મોટાભાગના ખાતાઓમાં કોઈ નોમિની ન હોવાના કારણે મૃતક ખાતાધારકોના પરિવારજનોને ક્લેમ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નોમિની વિનાના ખાતામાં રકમનો દાવો કરવા માટેના બેંકોના નિયમો ખૂબ જટિલ છે. દાવો ફોર્મ ભર્યા પછી, બેંક દ્વારા વારંવાર કોઈને કોઈ મુદ્દા પર વાંધો ઉઠાવવામાં આવે છે. જો બેંકમાં અનેક વખત જવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવે તો વારસદારો રકમ પરનો તેમનો દાવો છોડી દે છે.