November 25, 2024

ઓમાન નજીક દરિયામાં ડૂબેલા ઓઈલ ટેન્કરમાંથી 8 ભારતીયોને બચાવી લેવાયા

MT Falcon Prestige: સોમવાર 14 જુલાઈના રોજ કોમોરોસ ફ્લેગવાળું ઓઈલ ટેન્કર ઓમાન નજીક સમુદ્રમાં પલટી ગયું હતું, જેમાં 16 ક્રૂ મેમ્બર ગુમ થયા હતા. 16 ક્રૂમાંથી 13 ભારતીય છે. આ મામલાની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું છે કે તેમાંથી 9 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 8 ભારતીય છે જ્યારે એક શ્રીલંકાના નાગરિક છે. આ દુર્ઘટનામાં બાકીના ભારતીય ક્રૂ મેમ્બર વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ ડૂબી ગયેલા વિસ્તારની આસપાસ શોધ અને બચાવ (SAR) ઓપરેશન ચલાવી રહ્યું છે, જ્યારે ઓમાને સર્ચ ઓપરેશન માટે દરિયાઈ સુવિધાઓ પૂરી પાડી છે. MT ફાલ્કન પ્રેસ્ટિજે 14 જુલાઈના રોજ લગભગ દસ વાગ્યે ઓમાનના દરિયાકાંઠે એક ડિસ્ટ્રેસ કોલ મોકલ્યો હતો.

અકસ્માત બાદ ઓમાની સેન્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રેસ્ટિજ ફાલ્કન નામના ટેન્કરના ક્રૂમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકાના નાગરિકો સામેલ છે. LSEG ના શિપિંગ ડેટા દર્શાવે છે કે ટેન્કર યમનના એડન બંદર તરફ જતું હતું જ્યારે તે ઓમાનના મુખ્ય ઔદ્યોગિક બંદર Duqm નજીક પલટી ગયું હતું. આ જહાજ 117 મીટર લાંબુ ઓઇલ પ્રોડક્ટ ટેન્કર છે જે 2007માં બનાવવામાં આવ્યું હતું. આવા નાના ટેન્કરોનો ઉપયોગ સામાન્ય રીતે ટૂંકી દરિયાકાંઠાની યાત્રાઓ માટે થાય છે.

મેરીટાઇમ સેફ્ટી સેન્ટરે દુર્ઘટના બાદ કહ્યું હતું કે જહાજ પલટી રહ્યું હતું અને ડૂબી રહ્યું હતું. જહાજ દરિયામાં સ્થિર થઈ ગયું છે કે તેમાંથી તેલ કે તેલ ઉત્પાદનો લીક થઈ રહ્યા છે તેની પુષ્ટિ થઈ શકી નથી.