November 24, 2024

ઓલપાડમાં અતિભારે વરસાદથી ડાંગરનું ધોવાણ, ખેડૂતો પાયમાલીની કગારે

કિરણસિંહ ગોહિલ, સુરતઃ દક્ષિણ ગુજરાત સહિત સુરતનાં ઓલપાડ તાલુકામાં ચાલુ વર્ષે અતિભારે વરસાદના પગલે ડાંગરનો પાક ડૂબી જવાથી પાકને ભારે નુકસાન થયું છે. ડાંગરનો તૈયાર પાક ભારે પવન સાથે ધોધમાર વરસાદથી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી ઉત્પાદન પર માઠી અસર થવાથી ખેડૂતોને આર્થિક રીતે પાયમાલી સહન કરવાની નોબત આવી છે. જેને લઈ ખેડૂતો સરકાર નુકસાનીનો સરવે કરાવી સહાયની માગ કરી રહ્યા છે.

ચાલુ વર્ષે ખરીફ પાકમાં ડાંગરના પાકના વાવેતરમાં પ્રારંભિક સમયે વરસેલા ભારે વરસાદના કારણે ધરુવાડિયા ડૂબી જવાથી મહદઅંશે ધરુઓ નાશ પામ્યાં હતાં. ખેડૂતોએ ફરીથી નવા ધરુનું વાવેતર કર્યા બાદ ખેડૂતો દ્વારા એક વીઘે 20 હજારથી વધુના ખર્ચે ડાંગરની રોપણી કરવામાં આવી હતી. જો કે, છેલ્લા ત્રણ મહિનાથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર ઓલપાડ તાલુકામાં ડાગરમાં નુકશાની જોવા મળી રહી છે. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના સહિત ગામોનાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ઓલપાડ તાલુકામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદથી ખેતરમાં 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા પાક તૈયાર થવાના સમયે પાણીમાં ધરાશાયી થઈ જતા લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ચાલુ વર્ષે અગાઉના ચોમાસા કરતા હાલના ચોમાસામાં 100 ટકા વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત વરસાદથી ડાંગર છેલ્લા ઘણા દિવસોથી પાણીમાં ગરકાવ થવાથી ડાંગરનો વિકાસ અટકી ગયો હતો. આ સાથે જ ડૂબી ગયેલા ડાંગરના નુકસાન થતા ઉત્પાદનમાં પણ ઘટાડો થશે.

ભારે વરસાદને કારણે ઠેર ઠેર ડાંગરનો પાક વરસાદી પાણીમાં ધરાશાયી થઈ ગયો છે. ચોમાસુ ડાંગરનો મહામૂલો પાક ખેડૂતો દ્વારા લાખોના ખર્ચ કરી ઉભો કર્યો કર્યો હતો. પરંતુ વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. જેને લઈ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય જવાની દહેશત છે. આ પરિસ્થિતિ જોતાં ગયા વર્ષે ચોમાસું ડાંગરનું તાલુકામાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું હતું. પરંતુ હાલમાં વધુ વરસાદથી 35થી 40 ટકા ડાંગરની ઉત્પાદન પર પણ મોટી અસર થાય એવી કૃષિ તજજ્ઞો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.