November 22, 2024

ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો મર્ડર કેસ, વર્ષે યુવકના ગુમ થયાનો ભેદ ઉકેલાયો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી અજીબોગરીબ ઘટના સામે આવી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. મૃતદેહનો નિકાલ પણ કરી દેવામાં આવ્યો. જોકે હવે, સાડા ચાર વર્ષે યુવકના ગુમ થવાનો ભેદ ઉકેલાયો. જેમાં શાહીબાગ પોલીસે માનવ સહઅપરાધ ગુનો નોંધી ત્રણ લોકોની ધરપકડ કરી છે.

આરોપી પ્રવીણ દુબે, યોગેશ ઉર્ફે ભુરો અને રાકેશ કોષ્ટિની શાહીબાગમાં માનવ સહઅપરાધ ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની વાત કરીએ તો અમદાવાદમાં 4.5 વર્ષ પહેલાં શાહીબાગ અને અસલાલીમાં વણઉકેલાયા કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હતો. જેમાં એક યુવકના ગુમ થવા અને અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બંન્ને કેસની કહાની એક જ વ્યક્તિ સાથે જોડાયેલી છે. એ વ્યક્તિ છે શાહીબાગનો નિલેશ પરમાર. જે વર્ષ 2020માં નિલેશ રહસ્યમય રીતે લાપતા થયો હતો. પરિવારે ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે અસલાલીમાં પણ અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો તે સાડા ચાર વર્ષ બાદ ખબર પડીકે એ યુવક નિલેશ પરમાર જ હતો. ક્રાઇમ બ્રાન્ચે આ બે કેસનો ભેદ તો ઉકેલ્યો. પરંતુ આ મોતના રહસ્ય પરથી પરદો ઉચકયા બાદ ક્રાઇમ બ્રાન્ચ એ શાહીબાગ પોલીસને કેસ સોંપ્યો હતો. જે તપાસમાં મૃતક નિલેશની હત્યા નથી થઈ કે તેને આત્મહત્યા પણ નથી કરી. જેથી આ મૃતદેહ સાથે સંડોવાયેલ એક મહિલા સહિત 5 વ્યક્તિની પોલીસે અટકાયત કરીને શાહીબાગ પોલીસને સોંપ્યા હતા. આ કેસમાં મુખ્ય ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

મૃતક નિલેશ પરમારની મોત અને તેના મૃતદેહની ઓળખ બાદ પોલીસની મુંજવણની કહાની પણ અજીબોગરીબ છે. આ કેસમાં મુખ્ય ભૂમિકા ભારતી જૈન નામની મહિલાની છે. જે હેલ્થ પ્રોડક્ટના માર્કેટીંગ કરતી હતી. અને તેને દેવું થઈ જતા તેને પોતાના સોનાના ઘરેણાં પર મુથ્થુ ફાયનાન્સ પરથી લોન લઈને દેવું ચૂકવ્યું. પરંતુ ફાયનાન્સનો રૂ 25 હજારનો દર મહિને હપ્તો શરૂ થયો. જેથી આ મહિલાએ દેવામાંથી મુક્ત થવા ચોરી કરવાનું ષડ્યંત્ર રચ્યું. અને તેની માટે પોતાના મિત્ર પ્રવિણકુમાર દુબે સામેલ કર્યો. પ્રવિણ ડાયાલિશીશ ટેક્નિશિયન હતો. પ્રવિણએ ચોરીના પ્લાનને અંજામ આપવા પોતાના પરિચિત યોગેશ ઉર્ફે ભૂરાનો સંપર્ક કર્યો.

યોગેશએ રાકેશ કોસ્તીને કહ્યું ‘રાકેશ કમલેશ સોલંકી અને કમલેશએ જીગ્નેશ સોલંકીને પ્લાન કહ્યું. જ્યારે ચોરી કરવા માટે જીગ્નેશએ નિલેશ પરમારને તૈયાર કર્યો. આ આખી ચેનલમાં જીગ્નેશ જ નિલેશથી પરિચિત હતો.જ્યારે અન્ય લોકો અજાણ હતા. નિલેશ ચોરી કરવા માટે ભારતીના ઘરે પહોંચ્યો. ભારતીએ પાલડીના એક મકાનમાં ચોરી કરવાનું પ્લાન બનાવ્યું હતું.અને ઘરના માલિકને બેભાન કરવા પ્રવિણકુમાર પાસેથી ઇન્જેક્શન લીધું હતું. આ ઇન્જેક્શન ચેક કરવા માટે નિલેશ ખુદ લગાવ્યું.અને ઓવરડોઝથી મૃત્યુ પામ્યો. ભારતી બેન નિલેશના ભાન માં આવે તેની રાહ જોતી રહી પરંતુ 4થી 5 કલાક સુધી ભાનમાં નહિ આવતા પ્રવિણ દુબે, યોગેશ અને રાકેશનો સંપર્ક કર્યો હતો.તેઓ રિક્ષામાં લઈને અસલાલી મૃતદેહનો નિકાલ કર્યો હતો.જોકે કોઈ પોલીસ હાથે પકડાય નહિ અને ધટનાની જાણ ના થાય માટે અમદાવાદ છોડી બહાર સેટ થઇ ગયા હતા.

આ અજીબોગરીબ ઘટનામાં નિલેશ પરમારના ગુમ થવા અને મોતનો ભેદ ઉકેલાયો.અને મોત સાથે સંકળાયેલા ત્રણ આરોપી ધરપકડ કરી છે. ત્યારે પોલીસે મોતના પુરાવવા નાશ કરવા અને સહઅપરાધ મનુષ્યવધ નો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.