October 18, 2024

હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા

અમદાવાદઃ ગયા અઠવાડિયે રાજ્યમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુ પૂરું થવાની આરે છે, ત્યારે હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

પંચમહાલ અને દાહોદમાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી , નવસારી , ડાંગ , વલસાડ, દમણ – દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.